હવામાન વિભાગની સચોટ આગાહી વચ્ચે સોમવારની રાત્રે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. અચાનક વાતાવરણમાં આવેલા ભયાનક પલટા સાથે ત્રણ જિલ્લામાં 40થી 70 કિમીની પ્રચંડ ગતિએ તોફાની વાવાઝોડું ફૂંકાયું હતું.
જેમાં દાહોદ ખાતે વાવાઝોડાને કારણે સ્માર્ટસિટીનું બોર્ડ ધરાશાયી થતાં એક વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે. જયારે બે જણને ઇજા પહોંચી હતી. જ્યારે દાહોદના અન્ય બે બનાવમાં બે લોકો ઘાયલ થયા છે. મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પ્રચંડ વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદને લીધે ઠેર-ઠેર વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા હતાં. તો કેટલાક સ્થાળે કાચા મકાનોના છાપરા ઉડી ગયા છે.
તીવ્ર વાવાઝોડા અને ધૂળની ડમરીઓને કારણે હાઈવે પર વિઝિબિલિટી ઝીરો થઈ જતાં વાહનચાલકો અટવાઇ ગયા હતા. મહિસાગરમાં વીજપોલ તુટી પડતાં સમગ્ર જિલ્લામાં વીજ પુરવઠો સંપૂર્ણ ઠપ્પ થતાં અંધારપટ છવાયો હતો. હવામાન વિભાગની સચોટ આગાહી વચ્ચે મોડીરાત્રે મહીસાગર જિલ્લામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો.
મોડીરાત્રે ફૂંકાયેલા હિંસક પવનમાં લુણાવાડા, કડાણા, ખાનપુર પંથકોમાં ભારે નુકશાની થઇ હોવાની શક્યતા છે. તીવ્ર પવનના કારણે જિલ્લાના ગ્રામ્ય માર્ગો પર અનેક નાના-મોટા વૃક્ષો તેમજ વીજપોલ અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર વૃક્ષો અને પડતા વાહન વ્યવહાર પણ સદંતર ખોરવાઈ ગયો હતો.
જયારે દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સોમવારની મોડીરાતે આશરે 9 વાગ્યાના અરસામાં વાતાવરણમાં એકાએક ભારે પલટો આવ્યો હતો.ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી નહિવત થઈ ગઈ હતી. દાહોદ શહેરના ગરબાડા ચોકડી વિસ્તારમાં ભારે પવનના કારણે એક પતરાનો શેડ હવામાં ફંગોળાયો હતો અને આ સાથે જ ”સ્માર્ટસિટી”નું મોટું બોર્ડ પણ તૂટીને નીચે પડતાં ત્રણ દબાયા હતાં. જેમાં એકનું મોત અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

