ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂ. 8.47 કરોડના જંગી ખર્ચે ‘અમૃત સરોવર’ અને ‘ઓક્સિજન પાર્ક’ તરીકે વિકસાવવામાં આવેલું કોલવડા તળાવ તંત્રની ઘોર બેદરકારીને કારણે એક જ વર્ષમાં દયનીય હાલતમાં ફેરવાઈ ગયું છે. વર્ષ 2025માં તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં યોગ્ય જાળવણીના અભાવે ઉછેરવામાં આવેલા વૃક્ષો સુકાવા લાગ્યા છે અને તળાવમાં લીલ તેમજ જંગલી ઘાસનું સામ્રાજ્ય છવાઈ જતાં પ્રજાના નાણાં પાણીમાં જઈ રહ્યા હોવાનો રોષ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.

માવજતના અભાવે મિયાંવાંકી પદ્ધતિથી ઉછેરાયેલા વૃક્ષો સુકાવા લાગ્યા 1,10,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં મિયાંવાંકી પદ્ધતિથી 41,301 ચોરસ મીટર વિસ્તારમાં બદામ, વડ, પીપળો, આંબો, આમળાં, જાંબુ અને જામફળ સહિતના 30,000 જેટલા દેશીકુળના વૃક્ષો ઉછેરવામાં આવ્યા હતા. પરંતુ નિયમિત માવજત અને પાણીના અભાવે આમાંના મોટાભાગના વૃક્ષો હાલ સુકાવા માંડ્યા છે, જ્યારે તંત્રની વધુ વૃક્ષો વાવવાની વાતો માત્ર કાગળ પર જ સાબિત થઈ રહી છે.

સફાઈના અભાવે તળાવમાં લીલના થર, કિનારે જંગલી ઘાસ ઉગી નીકળ્યું 182.5 મિલિયન લિટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ તળાવમાં સફાઈના અભાવે ઠેર-ઠેર લીલના જાડા થર જામી ગયા છે અને કિનારે જંગલી ઘાસ તથા ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. પાણીની ગુણવત્તા સુધારવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જળચર છોડ વાવવાના દાવા અધવચ્ચે જ અટકી પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાતા સહેલાણીઓ માટે અહીં બેસવું કે હરવું-ફરવું પણ મુશ્કેલ બન્યું છે.

