Gujarat

પ્રદેશ કોંગ્રેસ OBC સેલના ચેરમેન સાથે રૂ.65 લાખની છેતરપિંડી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના OBC સેલના ચેરમેન ડો.મહેશ રાજપૂત સાથે રૂપિયા 65 લાખની છેતરપિંડી થયા હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મહેશ રાજપૂતના મિત્રના મિત્ર રોમી મોરજરીયાએ રૂપિયાની જરૂરિયાત હોવાનું કહી 65 લાખ રૂપિયા હાથ ઉછીના એક મહિના માટે મેળવી બાદમાં પ્રોમિસરી નોટ લખી આપી 6 ચેક આપી વિશ્વાસ અપાવ્યો હતો જો કે બાદમાં રૂપિયા ન આપતા ચેક જમા કરતા ચેક બાઉન્સ થયા હતા અને રૂપિયા આપી દેશે તેવા બહાના બનાવી આજદિન સુધી પરત ન આપતા આખરે ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે આઇપીસી કલમ 420 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રૂપિયા 65 લાખ મિત્રતાના નાતે હાથ ઉછીના આપ્યા હતા પ્રદેશ કોંગ્રેસ OBC ચેરમેન મહેશભાઈ રાજપુતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2022 દરમ્યાન મારા મિત્ર જય ખારાએ મને તેના મિત્ર રોમી મોરજરીયા સાથે ઓળખાણ કરાવી હતી અને કહ્યું હતું કે મારા મિત્ર રોમી સિમેન્ટ લોખંડનો વેપાર કરે છે જે તમને મળવા માંગે છે જેથી હું જય ખારાની ઓફીસ ગયો હતો અને ત્યા રોમી મોરજરીયાએ મને કહ્યું કે મારે ધંધા માટે એક મહિના પુરતી પૈસાની જરૂરિયાત છે.

જેથી મને પૈસા આપો અને હું એક મહિનાની અંદર તમને તમારા પૈસા પરત આપીશ. જય મિત્ર હોવાથી મે મિત્રતાના નાતે રોમી મોરજરીયાને પૈસા દેવાની હા પાડી હતી અને જય ખારાની ઓફીસે તેના સ્ટાફની હાજરીમાં રોમી મોરજરીયાને તા.13.10.2022ના રોજ બપોરના 2 વાગ્યા આસપાસ રોકડા રૂપિયા 65 લાખ મિત્રતાના નાતે હાથ ઉછીના આપ્યા હતા.