Gujarat

જામનગરમાં આતશબાજી વચ્ચે રાવણ દહન

જામનગરમાં વિજયાદશમીના પર્વ પર સાત રસ્તા સર્કલ પાસેના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન આ દહન જોવા હજારો લોકો ઉમટ્યા હતા. આતશબાજી અને ‘જય શ્રીરામ’ના નારાઓ વચ્ચે 35 ફૂટ ઊંચા રાવણ અને 25-25 ફૂટ ઊંચા કુંભકર્ણ-મેઘનાદના પુતળાઓનું દહન કરાયું. રાત્રે 8 વાગ્યા પછી શ્રીરામના તીરથી પુતળાઓને આગ લગાડવામાં આવી હતી.

જામનગર સિંધી સમાજ છેલ્લા 60 વર્ષથી આ પરંપરા જાળવે છે. કાર્યક્રમ પહેલાં નાનકપુરીથી વિવિધ પાત્રોની વેશભૂષા સાથે રામસવારી નીકળી, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પ્રદર્શન ગ્રાઉન્ડ પહોંચી હતી. સાંસદ પૂનમબેન માડમ, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, બીનાબેન કોઠારી અને સિંધી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.