સરથાણા નેચર પાર્ક ખાતે ઉનાળાના વેકેશનમાં ૧ લાખથી વધુ મુલાકાતીઓથી સુરત મનપા. ને ૩૦.૦૮ લાખની આવક ૩૪ દિવસનું વેકેશન દરમિયાન થઈ
ઉનાળાના વેકેશન દરમિયાન ડાયમંડ સીટી સુરતમાં આવેલ સુરત મહાનગરપાલિકાનું સરથાણા નેચર પાર્ક ફેવરીટ પ્લેસ તરીકે ઉભરી આવ્યું છે. ૩૪ દિવસનું વેકેશન દરમિયાન ૧.૦૯ લાખથી વધુ મુલાકાતીઓ નેચર પાર્કની મુલાકાત લેતાં પાલિકાને ૩૦.૦૮ લાખની આવક થઈ છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાના વેકેશને સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કને ફળ્યું છે. વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં પરિવારો, બાળકો અને પ્રકૃતિપ્રેમીઓ નેચર પાર્કની મુલાકાતે ઉમટી પડ્યા હતા. પરિણામે માત્ર ૩૪ દિવસમાં જ એક લાખથી વધુ મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી.
સરથાણા ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન અને નેચર પાર્ક વિકસાવવામાં આવ્યો છે. હાલમાં અહીં ૨૪ પ્રજાતિના ૧૨૮ પ્રાણીઓ, ૨૭ પ્રજાતિના ૨૯૪ પક્ષીઓ અને ૫ પ્રજાતિના ૬૧ રેપટાઈલ્સ મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય શહેરો અને જિલ્લામાંથી પણ લોકો અહીં મુલાકાતે આવે છે.
પાલિકા તંત્રના આંકડા મુજબ ૪ મેથી ૭ જૂન દરમિયાન કુલ ૧,૦૯,૧૮૯ મુલાકાતીઓએ નેચર પાર્ક ની મુલાકાત લીધી હતી. જેના કારણે પાલિકાને ૩૦,૦૮,૯૫૦ની આવક થઈ છે. વેકેશનના અંતિમ સપ્તાહ અને ખાસ કરીને છેલ્લા રવિવારે સૌથી વધુ ભીડ જાેવા મળી હતી. આખો દિવસ ટિકિટ કાઉન્ટર અને વિવિધ પ્રદર્શન વિસ્તારોમાં મુલાકાતીઓની ભારે અવર જવર જાેવા મળી હતી.

