કલોલ તાલુકા પોલીસે પૂર્વ બાતમીના આધારે મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા સઈજ ગામના અંડરબ્રીજ પાસેથી આઈ-20 સ્પોર્ટ્સ કારમાં ભરીને લઈ જવાતો 637 લિટર દેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 3.27 લાખનો મુદ્દામાલ સાથે બે બુટલેગરોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
i-20 કારમાંથી 637 લિટર દેશી દારુ મળી આવ્યો કલોલ તાલુકા પીઆઇ જે.જે. ગઢવીની ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ રંગની આઇ-20 સ્પોર્ટસ ગાડી (નંબર GJ-27C-0571) માં બે ઇસમો દેશી દારૂના કોથળા ભરીને મહેસાણા-અમદાવાદ હાઇવે પરથી પસાર થવાના છે.
આ બાતમી મળતા જ પોલીસે મહેસાણા -અમદાવાદ હાઇવે પર સઈજ અંડરબ્રીજ પાસે વોચ ગોઠવી દીધી હતી.દરમિયાન બાતમી વાળી આઇ-20 કાર ત્યાંથી પસાર થતાં જ તેને અટકાવી દેવામાં આવી હતી. બાદમાં કારની તલાશી લેતાં તેમાંથી મોટા પ્લાસ્ટિકના કોથળા ભરીને રૂ.1.27 લાખથી વધુની કિંમતનો 637 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

