જર્મનીના કોલોન શહેરમાં ૧૬ વર્ષની કિશોરી સાથે કથિત જાતીય સતામણીની ઘટના બાદ પોલીસે એક રોબોટ જપ્ત કર્યો છે. તપાસકર્તાઓ તે બે યુવકોની ભૂમિકાની પણ તપાસ કરી રહ્યા છે જેઓ તે સમયે રોબોટનું સંચાલન કરી રહ્યા હતા. બંનેમાંથી કોઈની સામે હજુ સુધી કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી, જાેકે બંનેને શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે બનેલી એક ઘટના દરમિયાન રોબોટે કથિત રીતે કિશોરીને જાતીય સતામણી કરી હતી. આ બે યુવકો પર ઘટનાનું શૂટિંગ કરવાનો, તેનું લાઈવ-સ્ટ્રીમિંગ કરવાનો અને તેના વિશે ઓનલાઈન ટિપ્પણીઓ પોસ્ટ કરવાનો પણ આરોપ છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે રોબોટનું સંચાલન કેવી રીતે કરવામાં આવી રહ્યું હતું અને તે બે યુવકોએ કઈ ભૂમિકા ભજવી હતી.
રોબોટે કથિત રીતે કિશોરીને સ્પર્શ કર્યો
અહેવાલ મુજબ આ ઘટના કોલોનમાં એક ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટ નજીક બની હતી. પોલીસે જણાવ્યું હતું કે બે યુવકો દ્વારા સંચાલિત રોબોટે ૧૬ વર્ષની કિશોરીના ગુપ્તાંગને સ્પર્શ કર્યો હતો અને એવી હરકતો કરી હતી જે કથિત જાતીય ગેરવર્તણૂક સમાન હતી.
તપાસકર્તાઓ તપાસ કરી રહ્યા છે કે શું તે બે યુવકોએ ઘટના દરમિયાન રોબોટની હિલચાલને જાણીજાેઈને દિશા આપી હતી કે કેમ. તેઓ એ આરોપોની પણ તપાસ કરી રહ્યા છે કે ઘટનાનું રેકોર્ડિંગ અને લાઈવ-સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું અને ઓનલાઈન ટિપ્પણીઓ પોસ્ટ કરવામાં આવી હતી.
રોબોટનું સંચાલન કેવી રીતે થયું તેની પોલીસ તપાસ
કોલોન પોલીસના પ્રવક્તા ક્રિસ્ટોફ બર્મસ્ટરે જણાવ્યું હતું કે, તપાસકર્તાઓ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું રોબોટની હિલચાલ અગાઉથી પ્રોગ્રામ કરવામાં આવી હતી કે પછી તેનું સંચાલન ‘રિયલ-ટાઇમ‘માં દૂરથી (રિમોટલી) કરવામાં આવી રહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ એવી ઘટનાનો સામનો કરી રહી હતી જે તેમના માટે નવી હતી.
આ તફાવત તપાસકર્તાઓને એ સમજવામાં મદદ કરી શકે છે કે કથિત હુમલો કેવી રીતે થયો અને શું રોબોટની ક્રિયાઓ તેને નિયંત્રિત કરનારા લોકો દ્વારા જાણીજાેઈને નિર્દેશિત કરવામાં આવી હતી.
રોબોટ અને મોબાઈલ ફોન જપ્ત
સોમવારે જારી કરાયેલા નિવેદનમાં પોલીસે જણાવ્યું હતું કે ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટ નજીક બનેલી ઘટનાની માહિતી મળ્યા બાદ ઈમરજન્સી સેવાના કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. રોબોટ એક વાહનની ડિક્કી (બૂટ) માંથી મળી આવ્યો હતો.
અધિકારીઓએ રોબોટની સાથે તે બે યુવકોના મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. કથિત શૂટિંગ, લાઈવ-સ્ટ્રીમિંગ અને ઓનલાઈન ટિપ્પણીઓની તપાસમાં આ ઉપકરણો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. રોબોટની ઊંચાઈ લગભગ ચાર ફૂટ હતી
આ કેસ અંગે જાહેર કરાયેલી માહિતી મુજબ, રોબોટના માલિકની ઉંમર ૧૬ વર્ષ છે, જ્યારે બીજા યુવકની ઉંમર ૧૯ વર્ષ છે. રોબોટની ઊંચાઈ લગભગ ૧૨૦ સેન્ટિમીટર એટલે કે આશરે ૩ ફૂટ ૧૧ ઇંચ છે.
જર્મન પોલીસે સોશિયલ મીડિયા પર રોબોટનો એક ફોટોગ્રાફ પણ શેર કર્યો છે. તેમાં રોબોટ લાલ અને સોનેરી રંગનો દેખાય છે અને તેણે સફેદ ટેન્ક ટોપ, કાળા ટ્રેક પેન્ટ, ગળામાં સોનાની ચેઈન અને સનગ્લાસ પહેરેલા છે.
વાયરલ વીડિયોમાં રોબોટ મહિલાઓ તરફ આગળ વધતો જાેવા મળે છે
ઓનલાઇન વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં રોબોટ મહિલાઓના એક જૂથ તરફ આગળ વધતો, એક મહિલાને ધક્કો મારતો અને અન્ય મહિલાઓને ભેટી પડતો જાેવા મળે છે. એક યુવક રોબોટને પાછળ ખેંચતો અને તેના પર બૂમો પાડતો પણ દેખાય છે, જ્યારે આસપાસના લોકો હસતા જણાય છે.
પોલીસે આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણીઓની ટીકા કરી છે. સત્તાવાળાઓએ ચેતવણી આપી છે કે આવી ઘટનાઓની મજાક ઉડાવવાથી અથવા તેના સંબંધિત વીડિયો શેર કરવાથી પીડિતો પર નકારાત્મક અસર પડી શકે છે.
આ મામલે તપાસ ચાલુ છે; પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે રોબોટનું નિયંત્રણ કેવી રીતે કરવામાં આવતું હતું, કથિત હુમલાની ઘટના કયા સંજાેગોમાં બની અને શું તેમાં તે બે યુવકો સામેલ હતા કે નહીં.

