National

ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-૧‘ શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું

ભારતે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે; શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પોતાનું પહેલું પ્રાઈવેટ ઓર્બિટલ-ક્લાસ રોકેટ વિક્રમ ૧ લોન્ચ કરીને તેની અંતરિક્ષ યાત્રામાં એક મોટું પગલું ભર્યું છે. આ મિશન સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હસ્તલિખિત સંદેશ, “વંદે માતરમ” પણ અવકાશમાં મોકલવામાં આવ્યો હતો.

હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ ‘સ્કાયરૂટ એરોસ્પેસ‘ દ્વારા દેશનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-૧‘ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતીય અવકાશ સંશોધનના ઇતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

આ ઐતિહાસિક લોન્ચિંગ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર પરથી આજે સવારે ૧૧:૩૦ વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જાે કે, લોન્ચિંગની બરાબર ૫ મિનિટ પહેલા કોઈ કારણસર કાઉન્ટડાઉનને હોલ્ડ (રોકી) દેવામાં આવ્યું હતું. થોડીવારના હોલ્ડ અને ટેકનિકલ ચકાસણી બાદ પ્રક્રિયા ફરી શરૂ કરાઈ હતી અને બપોરે ૧૨:૦૫ વાગ્યે રોકેટે સફળ ઉડાન ભરી હતી.

સ્કાયરૂટ એરોસ્પેસના આ લોન્ચિંગ પ્રોજેક્ટને ‘મિશન આગમન‘ નામ આપવામાં આવ્યું છે. ‘વિક્રમ-૧‘ રોકેટ પૃથ્વીની નીચલી કક્ષામાં (લો અર્થ ઓર્બિટ) ૪૫૦ કિલોમીટરની ઊંચાઈ સુધી જશે. આ મિશન અંતર્ગત રોકેટ પોતાની સાથે આધુનિક ટેકનોલોજી અને કલા સાથે જાેડાયેલા ગ્રહ સ્પેસનો ટેકનોલોજી પેલોડ, કોસ્મોસર્વ સ્પેસનો પેલોડ, ડીક્યુબ્ડનો સ્પેસ રિસર્ચ સાથે જાેડાયેલો પેલોડ, પોતે સ્કાયરૂટ એરોસ્પેસનો પોતાનો ઇન-હાઉસ સ્કોપ પેલોડ અવકાશમાં લઈ ગયું છે.

સબ-ઓર્બિટલ અને ઓર્બિટલ રોકેટ વચ્ચે મોટો તફાવત હોય છે. સબ-ઓર્બિટલ રોકેટ માત્ર અવકાશની સરહદ સુધી પહોંચીને પૃથ્વી પર પાછું ફરે છે. જ્યારે ઓર્બિટલ રોકેટ ઉપગ્રહ (સેટેલાઇટ)ને એટલી પ્રચંડ ગતિ અને વેગ આપે છે કે તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈને સતત ચક્કર લગાવતો રહે છે.

વિક્રમ-૧ની આ સફળતા સાથે જ, ભારતની કોઈ ખાનગી સ્પેસ કંપનીએ ઓર્બિટલ સેટેલાઇટ લોન્ચ કરવાની સિદ્ધિ મેળવી હોય તેવો આ પ્રથમ ઐતિહાસિક કિસ્સો બન્યો છે.