ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન યોજાનારી છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા તેમજ જાહેર શાંતિ અને સલામતિ જળવાય રહે તથા ચૂંટણી મુકત, ન્યાયી અને પવિત્ર રીતે થાય આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે ચૂંટણી દરમિયાન ચૂંટણીલક્ષી જોગવાઇઓ તથા આદર્શ આચારસંહિતાના અમલીકરણમાં અવરોધ થાય તેવા પ્રકારના વાંધાજનક એસ.એમ.એસ/ બલ્ક એસ.એમ.એસ તથા એમ.એમ.એસ પ્રસારિત કરવા પર છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી.સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી નિયંત્રણ લાધ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદર્શ આચારસંહિતા ચૂંટણી ખર્ચ નિયંત્રણ સંબંધી જોગવાઇઓ તેમજ વિધાનસભા સામાન્ય ચૂંટણીને લગતી કોઇ પણ જોગવાઇઓનો ભંગ થાય તેવા પ્રકારના વાંધાજનક એસ.એમ.એસકે બલ્ક એસ.એમ.એસ કે એમ.એમ.એસ કોઇ પણ ઉમેદવાર/વ્યક્તિ/ રાજકીય પક્ષ કે સંસ્થાએ પ્રસારિત કરી શકાશે નહીં કે વહેતા મુકી શકાશે નહીં.
ચૂંટણી દુષિત થાય તેવા રાજકીય પ્રકારના કોઇ પણ એસ.એમ.એસ કે બલ્ક એસ.એમ.એસ તેમજ એમ.એમ.એસ ચૂંટણી આચારસંહિતા એટલે કે તા. ૦૩/૧૧/૨૦૨૨થી મતદાન પૂર્ણ થતા સુધી સોશ્યલ મીડીયા જેવા કે ફેસબુક, વોટસ્એપ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા માધ્યમો દ્વારા વહેતા મુકવા નહીં.
આ આદેશ છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતના સમગ્ર વિસ્તારમાં તા. ૦૩/૧૧/૨૦૨૨થી તા. ૧૦/૧૨/૨૦૨૨(બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ભારતીય દંડસંહિતાની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે એમ જીલ્લા મેજીસટ્રેટ, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
