અમદાવાદ
સરખેજ પોલીસ સ્ટેશનમાં કેતન પટેલ વિરૃદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડયો છે. આ બનાવના પગલે લોકોમાં અરેરાટી પ્રસરી છે. નૈતિક અધઃપતનના કિસ્સા સમાન આ બનાવમાં કોના પર ભરોસો મૂકવો તે કઠિન બની ગયું છે. મહિલાએ જેને મિત્ર માન્યો તેણે કુકર્મ કરતા સગીરાની જિંદગી નર્ક સમાન બની છે.શહેરના નારોલ વિસ્તારમાં પતિથી દૂર રહેતી પરિણીતાને એક યુવક સાથે મિત્રતા થઇ હતી. બાદમાં યુવકે પરિણીતાની ૧૪ વર્ષીય દીકરીને એક્ટિવા શીખવાડવાનું કહીને મકરબા ખાતે લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ. સમગ્ર બનાવની જાણ સગીરાએ તેની માતાને કરી હતી. આ અંગે પીડિતાની માતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડયો છે. બાદમાં પોલીસે સગીરા અને આરોપીનું મેડિકલ ચેકઅપની કાર્યવાહી શરૃ કરી છે. હાલમાં નારોલ વિસ્તારમાં રહેતી ૩૬ વર્ષીય નેહલ (નામ બદલ્યું છે) નામની મહિલા તેની ૧૪ વર્ષની દીકરી સાથે રહે છે. નેહલ છૂટક કામ કરીને ગુજરાન ચલાવે છે. નેહલે તેના પતિ સામે કોર્ટમાં કેસ કર્યો હોવાથી પતિ અત્યારે સુરત એકલો રહે છે. નેહલને દક્ષિણ અમદાવાદના એક વિસ્તારમાં રહેતા કેતન પટેલ સાથે ત્રણ વર્ષ પહેલા મિત્રતા થઇ હતી. બાદમાં કેતન અવાર નવાર નેહલના ઘરે આવતો જતો હતો. ૩ ઓક્ટોબરને રવિવારે કેતન નેહલના ઘરે આવીને તેની દીકરીને કહ્યું કે, ચલ તને એક્ટિવા શીખવાડું તેમ કહીને આરોપી તેને સરખેજ ખાતે લઇને આવ્યો હતો. બાદમાં કેતન સગીરાને પરત સાંજના ૭ વાગ્યે ઘરે મૂકી ગયો હતો. ઘરે આવ્યા બાદ સગીરાએ રડતા રડતા તેની માતાને કહ્યું કે, કેતન અંકલ મને એકિટવા શીખવાડવા માટે નારોલ થઇને મકરબા ખાતે લઇ ગયા હતા. જ્યાં એક મકાનમાં લઇ જઇને દરવાજાે બંધ કરીને કેતને દુષ્કર્મ આચર્યુ હતુ.
