છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની ટીમે જિલ્લાના વન અધિકાર અધિનિયમના લાભાર્થીઓની મુલાકાત લઇ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
દેશના અનુસૂચિત જનજાતિના લોકોના હિતોના રક્ષણ માટે કાર્યરત રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની ટીમ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવી છે. મુલાકાતના બીજા દિવસે ટીમના સભ્યો પ્રિન્સિપાલ ઇન્વેસ્ટીગેટર વિમલભાઇ, રિસર્ચ આસીસ્ટન્ટ મીમાંસા પારોલિયા, રિસર્ચ આસીસ્ટન્ટ સ્વેતા મદગલકર અને તનુજાબેને જિલ્લાના વન અધિકાર અધિનિયમના લાભાર્થીઓ સાથે બેઠક યોજી સીધો સંવાદ સાધ્યો હતો.
પ્રિન્સિપાલ ઇન્વેસ્ટીગેટર વિમલભાઇએ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધતા જણાવ્યું હતું કે, આયોગ દ્વારા અનુસૂચિત જનજાતિના લોકો કે જેઓ જંગલ વિસ્તારમાં રહી જીવન વ્યતિત કરે છે તેમના માટે વર્ષ ૨૦૦૬માં વન અધિકાર અધિનિયમ બનાવવામાં આવ્યો હતો. વન અધિકાર અધિનિયમ અંતર્ગત અનુસૂચિત જનજાતિના લોકોને જંગલ જમીનના વ્યક્તિગત દાવાઓ તથા સામૂહિક દાવાઓ મંજૂર કરી જંગલ જમીનના અધિકારો આપવામાં આવે છે એમ જણાવી તેમણે જેમણે જેના દાવાઓ રજૂ કરવાના બાકી હોય તેમણે સંબંધિત વિભાગનો સંપર્ક કરી દાવાઓ રજૂ કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે ઉપસ્થિત ગ્રામજનો કે જેઓને જંગલ જમીનના અધિકારો આપવામાં આવ્યા છે તેવા લાભાર્થીઓ તથા જેમના દાવા પડતર છે એવા લાભાર્થીઓને દાવા અરજીઓનો ટુંક સમયમાં નિકાલ કરવા માટે આયોગ દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
પ્રાંત અધિકારી વિમલભાઇ ચક્રવર્તીએ પણ વન અધિકાર અધિનિયમ અંતર્ગત ઉપસ્થિત ગ્રામજનોને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની ટીમ દ્વારા સૌપ્રથમ રાજાવાંટ મુકામે બેઠક યોજી આજુબાજુના ગામોના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ નસવાડી તાલુકાના પાટડિયા ગામે તથા કવાંટના મુંગલવાંટ ગામે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજાવાંટ ગામે ગ્રામસ્થો દ્વારા ઉછેરવામાં આવેલા જંગલની મુલાકાત પણ ટીમ દ્વારા લેવામાં આવી હતી.
ટીમની આ મુલાકાત દરમિયાન કવાંટ મામલતદાર ગોપાલભાઇ તડવી, નાયબ મામલતદાર જગદીશભાઇ, દક્ષેશભાઇ, બોડેલી પ્રાંત કચેરીના અધિકારીઓ, નસવાડી મામલતદાર કચેરીના અધિકારીઓ, આર.એફ.ઓ ઇન્દ્રવદનભાઇ રાઠવા, ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


