રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૨-૪-૨૦૨૩ના રોજ ગિરનાર તીર્થક્ષેત્રમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.
ગિરનાર તીર્થક્ષેત્રમાં સફાઈના નવા માપદંડ પ્રસ્થાપિત કરવા માટે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસ્યાના નિર્દેશોનુસાર ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર શ્રી પી.જી. પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં ગુરુદત્તાત્ર્ય, અંબાજી, ગિરનાર પગથિયા ઉપરાંત સમગ્ર ભવનાથ તળેટી વિસ્તારમાં સફાઈને વધુ સઘન બનાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓ અને એજન્સીઓના પ્રતિનિધિઓને સૂચના આપવામાં આવી હતી.
ગિરનાર અને તળેટી વિસ્તારમાં સફાઈના ઉચ્ચ માંનકો જળવાઈ રહે તે માટે પણ વિસ્તૃત અને ઉંડાણપૂર્વકનો એક્શન પ્લાન તંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવ્યો છે.
ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટરશ્રીએ ખાસ કરીને સાફ-સફાઈની કામગીરીના મોનિટરિંગને વધુ સઘન બનાવવા માટે સૂચનાઓ આપી હતી. સાથે જ પ્રકૃતિના જતન માટે કામ કરતી સેવાકીય સંસ્થાઓને પણ આ સફાઈ અભિયાનમાં જોડાવા માટે જણાવ્યું હતું. ઉપરાંત જૂનાગઢના યાત્રાધામો વધુ સ્વચ્છ અને સુઘડ બને તે માટે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલા, ડેપ્યુટી કમિશનર શ્રી વાજા, આરએફઓ શ્રી ભાલિયા સહિતના અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
