Gujarat

જેતપુરમાં એમ્બ્યુલન્સ 108ના સ્ટાફની અદકેરી માનવતા

બેભાન મુસાફરને સ્વસ્થ કરીને રૂ. 90 હજારનો માલસામાન પરત આપ્યો !
ગઇકાલે બુધવારે બસમાં મુસાફરી દરમિયાન બેભાન થઈ ગયેલા મોડાસાના એક મુસાફરને પુનઃ સ્વસ્થ કરી તેમની પાસેનો રૂ. 90 હજારનો મુદ્દામાલ પરત કરીને 108 એમ્બ્યુલન્સના સ્ટાફે અદકેરી માનવતા બતાવી હોવાનો બનાવ બહાર આવતા જાણકાર લોકોમાં પાયલોટ અને ઇએમટીની સરાહના થઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોડાસાના સ્નેહલભાઈ શુક્લા બસમાં મુસાફરી કરતાં હતા તે દરમિયાન અચાનક તેઓની તબિયત લથડતા જાગૃતો અને બસ સ્ટાફની જાણકારી બાદ જેતપુરની 108 એમ્બ્યુલન્સ મારતે ઘોડે સ્નેહલભાઈ પાસે પહોંચી હતી. પણ સ્નેહલભાઈ બેભાન જોવા મળ્યા હતા. આવા સમયે 108ના પાયલોટ મનુભાઈ લાલુ અને ઇએમટી રાજેન્દ્ર ગોસ્વામીએ વિલંબ કર્યા વગર તાત્કાલિક સારવાર ચાલુ કરી દેતા સ્નેહલભાઈ સભાન અવસ્થામાં આવી ગયા હતા. આ સમયે તેમની પાસેનો રૂ. 90 હજારનો મુદ્દામાલ શાયદ ગુમ થઈ ગયો હોવાનું સ્નેહલભાઇ મનોમન વિચારી રહ્યા હતા. પણ 108ના સ્ટાફે અદભૂત પ્રામાણિકતા છતી કરીને સ્નેહલભાઈને પોતાનો સરસામાન પરત કર્યો હતો.
જાણકારોએ ત્યાં સુધી કહ્યું કે આજની મોંઘવારીના સમયમાં ઘણી વખત એવું બને છે કે, થોડા રૂપિયા કે સામાન હાથ લાગ્યો હોય તો કોઈ પરત દેવામાં સમજતું નથી પણ 108 ના સ્ટાફે રૂ. 90 હજારના મળેલા મુદ્દામાલ સામે કોઈ બૂરી નજર કર્યા વગર ફરજ મહત્વની માનીને અસરગ્રસ્ત મુસાફરને પરત આપીને માનવતા હજુ મરી પરવારી નથી તેવી કહેવત સાબિત કરતાં જાણકારોમાં બંનેની પ્રસંશા થઈ હતી.

IMG-20230525-WA0005-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *