શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, નવીન્યપૂર્ણ પ્રયોગો સાથેના શિક્ષણકાર્ય અને વિદ્યાર્થીઓ સાથે તાદાત્મ્ય સાધી ઉમદા રીતે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે, જૂનાગઢ તાલુકાની જામકા પ્રાથમિક શાળાના શિક્ષિકા અલ્પાબેન જી. ભંડેરી. તેઓ માને છે કે, શૈક્ષણિક કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ સાથે ભાવાત્મક જોડાણ સ્થાપિત થાય તે ખૂબ જરૂરી છે.
છેલ્લા ૧૭ વર્ષથી શિક્ષણ કાર્ય કરી રહેલા અલ્પાબેન જી. ભંડેરી કહે છે કે, શિક્ષણ કાર્યમાં ખાસ વિદ્યાર્થીઓ સરળતાથી દરેક એકમો ગ્રહણ કરી શકે તે માટે TLMનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. ટીચિંગ લર્નિંગ મશીન એટલે કે, જેમાં ચિત્રો, પ્લે કાર્ડ વગેરેનો શૈક્ષણિક સામગ્રી તરીકે ઉપયોગ કરી, અભ્યાસની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
ઉપરાંત ક્વિઝ, વકૃત્વ સ્પર્ધા, દિન વિશેષ-તહેવારો વગેરેની વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવે છે. ક્યારેક વેશભૂષાના માધ્યમથી પણ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવે છે. બાળકો ઘરે પણ શિક્ષણથી જોડાયેલા રહે તે માટે વાલીના મોબાઇલમાં જરૂરી અભ્યાસ માટેની લીંક મોકલી આપીએ છીએ. કોરોનાકાળમાં પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અટકવા દીધી ન હતી.
બાળકો પર્યાવરણના જતન માટે પણ સજાગ બને તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. ખાસ બાળકોનો જે દિવસે જન્મદિવસ હોય ત્યારે બાળકોને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા માટે પણ પ્રેરિત કરીએ છીએ.
આમ, વિદ્યાર્થીઓ પાઠ્યક્રમના સાથે અન્ય વ્યવહારૂ શિક્ષણ પણ ખૂબ સારી રીતે ગ્રહણ કરી શકે તે માટે પ્રયાસો ફરી રહ્યા છીએ. તેમ અલ્પાબેન ભંડેરીએ ઉમેર્યું હતું.
અલ્પાબેન ભંડેરીની આ સેવાઓની રાજ્ય સરકારે પણ નોંધ લીધી છે. શિક્ષણ વિભાગના સચિવ શ્રી વિનોદ રાવે બગડુ કુમાર પે.સેન્ટર શાળાના ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય સહિતની પ્રવૃત્તિઓ માટે પ્રતિભાશાળી શિક્ષક તરીકે નવાજ્યા છે. ઉપરાંત જૂનાગઢ તાલુકા કક્ષાની કાથરોટા ખાતે થયેલ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પણ તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.


