નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલનાં અધ્યક્ષ સ્થાને ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી. તથા શ્રી સાવજ જૂનાગઢ દુધ ઉત્પાદન સંઘ લી.ની વાર્ષિક સાધારણ સભાની સાથે પ્રાકૃતિક કૃષિ સંમેલન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહમાં યોજાયું હતું. જેમાં સહકારી આગેવાનો-હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ -બહેનો સહભાગી થયા હતા.
આ પ્રસંગે શ્રી સી. આર. પાટીલે જણાવ્યું કે, ગુજરાતમાં સહકારી ક્ષેત્ર ઉત્તરોત્તર મજબૂત થઈ રહ્યું છે. રાજ્યમાં ૩૭૧ જેટલી મોટી સહકારી સંસ્થાઓમાં પક્ષના કાર્યકરો સુપેરે જવાબદારીનું વહન કરી રહ્યા છે. લોકોના આર્થિક ઉત્કર્ષ અને સમૃદ્ધિ તરફ લઈ જવાનું કામ પણ સહકારી ક્ષેત્ર દ્વારા થઈ રહ્યું છે. તેમણે જેડીસીસી બેંક તથા સાવજ ડેરીના સુચારું વહીવટ, નફામા નોંધપાત્ર વૃદ્ધિ અને સભાસદોનો વિશ્વાસ જીતવા માટે જેડીસીસી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ અને સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયાને અભિનંદન આવ્યા હતા. આ સાથે બેંક અને ડેરીના માધ્યમથી ખેડૂતો-પશુપાલકોનું આર્થિક ઉપાર્જન વધે છે અને જૂનાગઢ જિલ્લાને સમૃદ્ધિ તરફ આગળ લઈ જવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સહકારી ક્ષેત્ર સુરક્ષિત હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બનાસકાંઠા-સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગોનો અભાવ જોવા મળે છે ત્યાં સફેદ ક્રાંતિ એટલે કે પશુપાલન થકી સમૃદ્ધિના નવા દ્વાર ખુલ્યા છે. દુધ ઉત્પાદનમાં બહેનોની પણ ખૂબ મોટી ભાગીદારી રહી છે પ્રધાનમંત્રી શ્રી મોદીએ લીધેલા નિર્ણયોના પરિણામે બહેનોને આર્થિક મજબૂતી મળી છે. બહેનોના નામે મિલકત નોંધણીમાં ટેક્સમાં રાહત આપી, જેથી મહિલાઓના નામે પ્રોપર્ટી રજીસ્ટર થઈ રહી છે. આમ, વિવિધ યોજનાઓના માધ્યમથી મહિલાઓની સાથે દરેક વર્ગનો ઉત્કર્ષ થઈ રહ્યો છે.
કેન્દ્ર રાજ્ય સરકારે ખેડૂતોને પણ ઘણી રાહતો આપી છે, ખાતરના ભાવ વધ્યા છે ત્યારે સબસીડી વધારીને ખેડૂતો પર વધારોનો બોજો પડવા દીધો નથી. ખેડૂતોની આવક બમણી કરવા અને આર્થિક અગવડો દૂર કરવા કોઈપણ વચેટીયા વગર ખેડૂતોના સીધા બેંક ખાતામાં વાર્ષિક રૂ. ૬૦૦૦ જમા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને કોઈપણ પ્રકારના ધક્કા કે વિનવણી વગર સીધો તેમનો અધિકાર મળી રહ્યો છે. આ વ્યવસ્થાઓ પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વના કારણે શક્ય બની હોવાનું પણ ઉમેર્યું હતું. તેમણે રાજ્યપાલશ્રી અને રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રાકૃતિક ખેતીને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય સરકારી બેંકો જ્યારે સંકટમાં હતી. ત્યારે માતબર સહાય આપી ખેડૂતોના કલ્યાણ માટે ઉગારી લીધી હતી. તેમ જણાવતા તેમણે કહ્યું કે, શ્રી કિરીટભાઈ પટેલ જેડીસીસી બેંકના ચેરમેન બનવાની સાથે બેંક શાખાઓની મુલાકાત લઇ તેની વહીવટ મુશ્કેલીઓ જાણી, ખેડૂતોના તકલીફો જાણી તેનું સમાધાન કરી જેડીસીસી બેંકને નવી ઊંચાઈ લઈ ગયા છે. તેવી જ રીતે સાવજ ડેરી પણ ખેડૂતો પશુપાલકોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે શ્રી કિરીટભાઈ પટેલ અને દિનેશભાઈ ખટારીયાને અભિનંદન આપ્યા હતા.
પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઇ બારડે જેડીસીસી બેન્કે ચડતી પડતી વચ્ચે પણ ઉતરોતર પ્રગતિ સાધી છે. તેની આંકડાકીય જાણકારી આપી હતી.
જેડીસીસી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ શાબ્દિક અભિવાદન કરતા અને બીજી વખત સાંસદ શ્રી સી.આર. પાટીલ AGMમાં ઉપસ્થિત રહ્યાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જેડીસીસી બેંક જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર એમ ત્રણ જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવે છે. જેડીસીસી બેંકનો ૨૦૨૧-૨૨માં ગ્રોસ નફો ૩૨.૨૯ કરોડ હતો, જે વર્ષ ૨૦૨૨-૨૩માં વધીને ૪૩.૯૦ કરોડ થયો છે. અને આ વર્ષે ચોખ્ખો નફો ૧૯.૮૨ કરોડ થયો છે. આ પ્રગતિ માટે શ્રી સી.આર. પાટીલનું માર્ગદર્શન પણ ખૂબ મહત્વનું રહ્યું હોવાનું જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી મોદીના પ્રાકૃતિક કૃષિને વેગ આપવાના સંકલ્પને સોરઠના ખેડૂતો સાકાર કરી રહ્યા છે. જિલ્લામાં ૧૨૦૦૦ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈ ચૂક્યા છે. તેમણે ખેડૂતોની આવક બમણી થાય અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે માટે જૂનાગઢ જિલ્લા પ્રાકૃતિક ખેતી પેદાશોની હરાજી શરૂ કરવામાં આવી છે. જેથી ખેડૂતોને પ્રાકૃતિક પેદાશોના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે.
તેમણે કહ્યુ કે, જેડીસીસી બેંકના NPAમાં ઘટાડો કરવા માટે કડક પગલાં ભરી ૧૪ કરોડની રિકવરી કરવામાં આવી છે. શ્રી પટેલે જેડીસીસી બેંકને આવનારા સમયમાં સૌરાષ્ટ્રની અવ્વલ સરકારી બેન્ક બનાવવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સાવજ ડેરીના પ્રગતિનો ઉલ્લેખ કરતા ૧૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પનીર પ્લાન્ટ આપવા માટે રાજ્ય સરકારનો પણ આભાર માન્યો હતો.
અંતમાં સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયાએ આભારવિધિ કરી હતી.
જેડીસીસી અને સાવજ ડેરીના સાધારણ સભા પૂર્વે ડો. પી.ડી. કુમાવત અને ડો. એસ.કે. છોડવડીયાએ પ્રાકૃતિક કૃષિ સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ. આ કાર્યક્રમના આયોજનમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો પણ આયોજનમાં સહયોગ રહ્યો હતો. આ સાથે પ્રાકૃતિક ખેતિ કરતા ખેડૂતોની ખેતિ પેદાશોનુ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.
આ તકે જેડીસીસી બેંક સંલગ્ન પ્રગતિશીલ અને નફો કરતી મંડળીઓના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. ઉપરાંત દૂધ સંઘ સાથે સંલગ્ન દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને શ્રેષ્ઠ કામગીરી માટે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંગઠન પ્રભારી દિલીપભાઈ પટેલ, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા, પૂર્વ ધારાસભ્ય સર્વ શ્રી હર્ષદભાઈ રીબડીયા, કનુભાઈ ભલાળા, માધાભાઈ બોરીચા, વંદનાબેન મકવાણા, ખેતિ બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, જિલ્લા પંચાયતના શ્રીમતિ કંચનબેન ડઢાણીયા, જેડીસીસી બેંકના ઉપપ્રમુખ મનુભાઈ ખૂટી અગ્રણી સર્વશ્રી વેલજીભાઈ મસાણી, ડો.ડી.પી.શિખલીયા, ડિરેક્ટર જેઠાભાઇ પાનેરા, લખમણભાઇ યાદવ, લખમણભાઇ ઓડેદરા, જેસીંગભાઇ મોરી, દિલીપસિંહ ઝાલા, વજુભાઈ મોવલીયા, ભુપેન્દ્રભાઈ હિરપરા, કેશુભાઈ આંબલીયા, ભાવનાબેન અજમેરા, દૂધ સંઘના ડિરેક્ટર શ્રી વિનોદરાય માડમ, કરશનભાઈ જોટવા, રાજુભાઈ બોરખતરીયા, ઘનશ્યામભાઈ પટોડીયા, હંસાબેન માથુકિયા, સુંદરબેન પિઠીયા અને જયાબેન જીલડીયા સહિતના સદસ્યો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


