છોટાઉદેપુર જિલ્લામાં ગત મોડી રાત્રે ફિલ્મી સ્ટાઇલથી ગાડી ચાલવી છોટાઉદેપુર પોલીસની ત્રણ જગ્યાએ નાકાબંધી તોડી ફિલ્મી ઢબે જિલ્લા પોલીસે બૂટલેગરોને પીછો કરી ત્રણ બૂટલેગરોને ઇગ્લીંશ દારૂના મોટો જથ્થા સાથે પકડી પાડી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં એલસીબી ની અલગ અલગ ટીમો રાત્રિ દરમિયાન વિવિધ ઠેકાણે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેજગઢ પાસેની ટીમને બાતમી મળી હતી કે એક બોલેરો ગાડીમાં વિદેશી દારૂ આવી રહ્યો છે જેથી પોલીસ વોચમાં ગોઠવાઈ ગઇ હતી. વોચમાં ગોઠવાઈ ગયેલી એલસીબી પોલીસ ટીમને એક પુર પાટ ઝડપે મોટરસાયકલ અને તેની પાછળ નંબર વગરની બોલેરો ગાડી આવતી જણાતા તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો. પરંતુ બંને વાહનો રાયસીંગપુરા તરફ હંકારીને એલસીબી ની ટીમની ગાડીને અથડાવવાનો પ્રયાસ કર્યો હતો. એલસીબી ટીમે મોટી અમરોલ ટીમ અને રતનપુર ખાતે પાવીજેતપુરના પોલીસને આ અંગેની જાણ કરી હતી ત્યારબાદ તેજગઢ ખાતે ઊભેલી એલસીબીની ટીમે ખેપિયાઓ નો પીછો કરતા મોટી આમરોલ પાસે બોલેરો ગાડીમાં બેઠેલા એક ઈસમે ગાડીમાંથી દારૂની બોટલો પોલીસની ગાડી પર ફેંકવાની ચાલુ કરી હતી. આગળ પોલીસની અન્ય ટીમને અગાઉથી જાણ કરતા તેઓ પણ નાકાબંધી કરીને ઉભા હતા ખેપિયાઓ તેઓની ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ખેતરમાં કૂદીને પોતાનો બચાવ કર્યો હતો ખેપીયાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
પાવીજેતપુરના પી.એસ.આઇ એચ આર જેતાવત ને જાણ કરી હોવાથી તેઓ પણ પોતાના સ્ટાફ એલસીબીના માણસો સાથે રતનપુર પાસે ટ્રકની આડસ કરી નાકાબંધી કરીને ઉભા હતા ત્યારે ત્યાં પણ ખેપિયાઓ ટ્રક ની બાજુ પરથી બોલેરો કાઢી પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ખેપિયાઓને રોકવા એલસીબીના હેડ કોસ્ટેબલે પોતાની સર્વિસ રિવોલ્વર વડે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જ્યારે થોડા આગળ ઊભેલા પાવીજેતપુરના પી.એસ.આઇ એચ આર જેતાવતે પણ પોતાની રિવોલ્વર વડે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું
તેમ છતાં બૂટલેગરોએ પોલીસને ચકમો આપવામાં સફળ થઈ દારૂ ભરેલી ગાડી આગળ ભગાડી જવામાં સફળ થયા હતા.
બૂટલેગરો પોલીસને ચકમો આપી હરખપુર થી વડાતલાવ રોડ પર એક બાઈકને પાયલોટિંગ સાથે બોલેરો ગાડી હંકારી ગયા હતા. આગળ વડાતલાવ પાસે કાચા રસ્તે બોલેરો ગાડી ફસાઈ જતા બે ઈસમો ગાડીમાંથી કૂદીને ભાગી ગયા હતા. અને બાઈક ચાલક બે જણા પણ બાઈક મૂકીને ખેતરમાં ભાગવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે બોલેરો ગાડીમાં સવાર એક ઈસમ ઝડપાઈ ગયો હતો અને ચાલક રાતના અંધારામાં ભાગી છુટવામાં સફળ થયો હતો. આ બોલેરો ગાડી ની તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની ૧૦૦૪ બોટલ કિંમત રૂ. ૧,૫૦,૭૦૦ સહિત કુલ રૂ.૮,૦૨,૨૦૦ ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બેફામ બોલેરો ચલાવનાર ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


