આજે ભગવાન રામના જન્મની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ મંદિરોમાં પૂજા, આરતી અને વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરનાં રામજી મંદિરો જયશ્રી રામના નાદ સાથે ગુંજી ઊઠ્યા છે. ત્યારે રાજકોટમાં યોજાયેલી શોભાયાત્રાનું લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વાનરસેનાના ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બપોરે ત્રણ વાગ્યે અખાડા, હાથી, ઊંટગાડી, ડીજે, ભજન મંડળી સાથે 7 કિમી શોભાયાત્રા યોજાશે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા રામજી મંદિર દ્વારા રામજન્મની ઉજવણી સાથે શોભાયાત્રા યોજાશે. જગન્નાથ મંદિરમાં સવારે 10 વાગ્યાથી સુંદરકાંડ પાઠ અને બપોરે 12 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મેયર અને ભાજપના નેતાઓ હાજર રહેશે.

રૂપાલાએ ભગવાન રામની પ્રતિમાને તિલક કર્યું
રાજકોટની રૈયા ચોકડી ખાતે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ જય શ્રીરામના નારા સાથે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જેમાં રૂપાલાએ ભગવાન રામની પ્રતિમાને તિલક અને ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું. આ તકે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા અને સાંસદ મોહન કુંડારિયા સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા.

શોભાયાત્રા પહેલાં ધર્મસભા યોજાઈ
આ ભવ્ય શોભાયાત્રા પહેલાં શહેરના નાણાવટી ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરશે અને ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

અમદાવાદમાં શોભાયાત્રામાં હજારો લોકો જોડાશે
અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર તેમજ અલગ અલગ વિસ્તારમાં થઈને કુલ 7 કિમી વિસ્તારમાં રામ શોભાયાત્રા યોજાશે. જેમાં અખાડા, હાથી, ઊંટગાડી, ડીજે, ભજન મંડળી અને અલગ અલગ ટેબ્લો પણ જોડાવાના છે. આ રથયાત્રા બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થઈને મોડી સાંજ સુધી યોજાશે. જેમાં હજારો લોકો જોડાવાની શક્યતા છે અને જે માટેની તૈયારી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરી દેવામાં આવી છે.

ત્રણ ડીજે, 30 નાસિક ઢોલ સાથે શોભાયાત્રા યોજાશે
બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે, યાત્રાની શરૂઆત પ્રેમ દરવાજાના સરયુ મંદિરથી થશે. ત્યારબાદ તંબુ ચોકી જોર્ડન રોડ, દિલ્હી ચકલા હલીમની ખડકી, શાહપુર ચાર રસ્તા, દૂધેશ્વર આંબેડકર ચોકી, ફાયરબ્રિગેડ, માધુપુરા પોલીસ સ્ટેશન પાસે, વાટિકા ફ્લેટ, ધોબીઘાટ ચાર રસ્તા અને લાલાકાકા હોલ પાસે યાત્રાનું સમાપન થશે. 7 કિમી જેટલી આ શોભાયાત્રામાં 20 ભજન મંડળી, 10 અખાડા, 20 ઊંટગાડી, વેશભૂષાવાળાં બાળકો, 10 ઓપન જીપ, બે હાથી ટેબ્લો બનાવવામાં આવ્યા છે. એની સાથે ત્રણ ડીજે, 30 નાસિક ઢોલ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

અલગ અલગ જગ્યાએ યાત્રાનું સ્વાગત કરાશે
આ વખતની શોભાયાત્રામાં અલગ અલગ જગ્યાએ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. શ્રીરામનાં અલગ અલગ જગ્યાએ વધામણાં કરવામાં આવશે. આ માટે સ્વયંભૂ લોકો જોડાઇ રહ્યા છે અને એક અંદાજે આ યાત્રામાં હજારો લોકો આવનાર છે, બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થયેલી યાત્રા મોડી સાંજે પૂરી થવાની શક્યતા છે. શ્રીરામની શોભાયાત્રામાં ખાસ લોકોએ આ વખતે તેમના ઘર પાસેથી યાત્રા પસાર થાય તેવી ઈચ્છા રાખી છે અને નિર્ધારિત રૂટ પરથી આ યાત્રા પસાર થવાની છે.

