Gujarat

છેલ્લા 24 કલાકમાં સૌથી ગરમ શહેર મહુવા, અમદાવાદમાં આજે 42 તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 43 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા

ગુજરાત પર ગત સપ્તાહમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું તેની અસર પૂર્ણ થયા બાદ ગુજરાતના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન વધ્યું છે. જેમાં 15 એપ્રિલના રોજ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ બાદ 16 એપ્રિલથી ફરી એક વખત તાપમાનનો પારો ઉંચકાયો છે જે આગામી 3-4 દિવસ સુધી રહેશે. ત્યાર બાદ હવામાન વિભાગની આગાહી અનુસાર બે ડિગ્રી જેટલા તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ છે.

છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ગરમ શહેર મહુવા

દેશ-દુનિયા ભરમાં આજે રામનવમીની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે. અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લામાં પણ રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની યાત્રા યોજાશે. ત્યારે આજરોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે તેવી શક્યતાઓ છે. ફક્ત આટલું જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન પણ ભાવનગરના મહુવાનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું. જ્યારે અમદાવાદ શહેરમાં આજે તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતા જણાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

તાપમાનનો પારો 3-4 દિવસ ઉંચો રહેશે.

તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ

અમદાવાદ શહેરમાં દિવસભર ગરમીનો પ્રકોપ વર્તાશે. બપોરના 12:00 વાગ્યાથી જ મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. ત્યાર બાદ બપોરના 2:00 વાગ્યાથી ધીમેધીમે તાપમાન વધીને 3:00 વાગ્યા સુધીમાં 42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. બપોર થતાં જ પવનની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફથી આવવાના કારણે વાતાવરણને ઉપરી સ્તરમાં પણ ગરમ હવાઓ અને આકાશ વાદળોથી ઘેરાયેલું ન હોવાથી સૂર્યના સીધા કિરણો પડવાથી જમીનનું તાપમાન વધવાથી ગરમીનો અહેસાસ વધુ પ્રમાણમાં થશે. સાંજના 7:00 વાગ્યા પછી ધીમે ધીમે તાપમાનનો પારો નીચે આવતા 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. રાત્રે 11:00 વાગ્યા સુધી શહેરનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ત્યાર બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

સતત ઘરમાં રહેવાથી પણ હિટ સ્ટ્રોકનો ખતરો

અમદાવાદ શહેરમાં ગઈકાલથી તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ચુક્યો છે. ત્યારે દિવસભર ગરમ પવનો પણ હોય છે. તેને કારણે સ્વાસ્થ્ય કાળજી લેવી ખૂબ આવશ્યક છે. સામાન્ય રીતે દિવસ દરમિયાન બહાર ફરતા લોકોમાં હિટ સ્ટ્રોકનો ખતરો પણ વધુ પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત હાલમાં યૂવી કિરણોનું ક્રમાંક બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં છે. એટલે કે, સૂર્યના સીધા કિરણોને કારણે ચામડીના રોગ થવાની શક્યતાઓ પણ વધુ પ્રમાણમાં છે. તેથી બહાર નીકળતી વખતે શરીરને સંપૂર્ણ કપડાથી ઢાંકી દેવું હિતાવહ રહેશે.

કારણ કે યુવી કિરણો સીધા સંપર્કમાં આવવાથી ચામડીના રોગ જેવા કે પિગમેન્ટેશન, સર્ન બર્ન, સ્કિન ડાર્ક નેસની તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત ડિહાઈડ્રેશનને કારણે ચક્કર, માથું દુખવું, તાવ આવવો જેવી બીમારી થઈ શકે છે. આ પ્રકારે સતત ઘરમાં રહેવાથી હિટ સ્ટ્રોકનો ખતરો વધી જતો હોય છે.