International

USએ કહ્યું- ભારતમાં જીવંત લોકશાહી; US મીડિયાએ કહ્યું- ભાજપ જીતશે તો મુસ્લિમો પર જોખમ રહેશે

ભારતમાં યોજાઈ રહેલી ચૂંટણીની અમેરિકાએ પ્રશંસા કરી છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે (17 મે) કહ્યું કે વિશ્વમાં ભારત કરતાં વધુ જીવંત લોકશાહી બીજે ક્યાંય નથી. વ્હાઇટ હાઉસે કહ્યું કે ભારતીયોની મત આપવાની અને સરકાર સામે અવાજ ઉઠાવવાની ક્ષમતા પ્રશંસાને પાત્ર છે.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે અમેરિકા ભારતમાં થઈ રહેલી ચૂંટણી પર નજીકથી નજર રાખી રહ્યું છે. અમે આ પ્રક્રિયામાં સતત સુધારાની માંગ કરીએ છીએ.

જ્હોન કિર્બીએ કહ્યું, “ભારતમાં 96 કરોડ લોકો મતદાન પ્રક્રિયાનો હિસ્સો બની રહ્યા છે, જેઓ 2,660 રજિસ્ટર્ડ પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવા જઈ રહ્યા છે. ભારતીયો હજારો ઉમેદવારોમાંથી 545 સંસદ સભ્યોને ચૂંટે છે, જેના માટે 10 લાખથી વધુ મતદાન મથકો ઉભા કરાયા છે.”

વ્હાઇટ હાઉસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગ્લોબલ મીડિયા ભારતમાં યોજાઈ રહેલી ચૂંટણીને લોકતંત્ર માટે ખતરો ગણાવી રહ્યું છે. ચૂંટણીમાં ધાંધલ ધમાલનો આરોપ લગાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે.