દેશમાં ઉનાળાની સાથે સાથે અનેક રાજ્યોમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ, કર્ણાટક અને તેલંગાણાનો સમાવેશ થાય છે. ચોમાસાના કારણે ગોવા અને મહારાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે.
ચોમાસાના કારણે છેલ્લા 24 કલાકમાં ગોવા-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કલ્યાણ-અહેમદનગર હાઈવે પર માલશેજ ઘાટ પર ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે ટેકરી પરથી એક મોટો પથ્થર ઓટો રિક્ષા પર પડ્યો હતો. અકસ્માતમાં કાકા-ભત્રીજાના મોત થયા હતા. મૃતકોના નામ રાહુલ બબન ભાલેરાવ (ઉં.વ.30) અને સચિન ભાલેરાવ (ઉં.વ.7) છે.

ગુજરાતમાં પણ ચોમાસું અપેક્ષિત સમયના 4 દિવસ પહેલા પહોંચી ગયું છે. આજે રાજ્યના દરેક જિલ્લામાં વરસાદ પડી શકે છે. આ સિવાય મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં હળવા વરસાદની સંભાવના છે.
બીજી તરફ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં તીવ્ર હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઓડિશા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે.

મંગળવાર, 11 જૂને, આ રાજ્યોના ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ સતત બીજા દિવસે દેશમાં સૌથી ગરમ રહ્યું હતું. અહીં તાપમાન 47 ડિગ્રીથી ઉપર નોંધાયું હતું. 10 જૂને અહીંનું તાપમાન 46.3 ડિગ્રી હતું. બિહાર અને ઝારખંડમાં ગરમીના કારણે શાળાઓને 15 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે.

