તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓને સંબંધિત વિસ્તારના પ્રાથમિક
આરોગ્ય કેન્દ્રની નિયમિત મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ
કરવા અમરેલી જિલ્લા કલેક્ટર શ્રીનું સૂચન
—
જિલ્લા આરોગ્ય સોસાયટી ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ
—
અમરેલી તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આરોગ્ય સોસાયટી ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ હતી. ગવર્નીંગ બોડીની અને અમરેલી જિલ્લા આરોગ્ય સોસાયટી એક્ઝિક્યુટિવ કમિટીની ગત બેઠકની કાર્યવાહી નોંધની ચર્ચા કરી તેને બહાલી આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ જણાવ્યુ કે, જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓ આવે છે, તેમને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય અને ટી.બી., હાયપર ટેન્શન સહિત વિવિધ રોગોના દર્દીઓનું સ્ક્રિનિંગ યોગ્ય રીતે થાય અને તમામ દર્દીની યોગ્ય તપાસણી થાય તે માટે સઘન પગલાઓ લેવા.
તાલુકા આરોગ્ય અધિકારીશ્રીએ પોતાના તાલુકા વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નિયમિત રીતે મુલાકાત કરવી. આરોગ્ય શાખાના કર્મચારીશ્રીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ ફરજિયાત કરવું. જિલ્લામાં Ayushman Bharat Health Account (ABHA) કાર્ડ માટે કરવામાં આવેલી કામગીરી સતત શરુ છે, તે સરાહનીય હોવાનું જણાવી આરોગ્યના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા ફિલ્ડ વિઝિટ કરવામાં આવે તે બાબતે કલેકટરશ્રીએ સૂચનાઓ આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સહિત જિલ્લા આરોગ્ય સોસાયટી ગવર્નીંગ બોડીના તમામ સભ્યશ્રીઓ સહિત સંબંધિત અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મેશ ૦૦૦
