વરસાદની સ્થિતિના પગલે અને રોગચાળા નિયંત્રણ અર્થે આરોગ્ય વિભાગના જિલ્લા લાઈઝનિંગ અધિકારી શ્રી ડૉ.. ચૌધરીએ ફિલ્ડ વિઝિટ કરી
—
અમરેલીના લાપાળીયા, ખાંભા સી.એચ.સી અને સરાકડિયા
ખાતે દવા છંટકાવ અને પોરાનાશક કામગીરીની તપાસણી
—
અમરેલી તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) ચોમાસાની ઋતુ અને વરસાદની સ્થિતિના કારણે રોગચાળા નિયંત્રણ અર્થે તકેદારીના ભાગરુપે અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના જિલ્લા લાઈઝનિંગ અધિકારી શ્રી ડૉ. ચૌધરીએ જિલ્લાના વિવિધ સ્થળોએ મુલાકાત કરી હતી. અમરેલીના લાપાળીયા, ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી) અને સરાકડિયા ખાતે દવા છંટકાવ અને પોરાનાશક કામગીરીની તપાસણી કરી હતી.
મચ્છરજન્ય રોગચાળો ન ફેલાઇ તે માટે નિયમિત ધોરણે પોરાનાશક અને દંવા છંટકાવની કામગીરી સતત શરુ રહે તે અનિવાર્ય છે. ચોમાસુ ઋતુ દરમિયાન મચ્છરથી થતા મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગને ફેલાતો અટકાવવા માટે આગોતરા આયોજન સાથે અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કામગીરી કરવામાં આવે છે.
જિલ્લાના નાગરિકો મચ્છર ઉત્પતિ અટકાવવા અને યોગ્ય પગલાઓ ભરવા જાગૃત્ત બને અને મચ્છરના ઉપદ્રવના સ્થાનોને નિયંત્રિત કરે તે જરુરી છે. માદા એનોફિલીસ મચ્છર મેલેરિયાનો ફેલાવો કરે છે, જે મોટેભાગે રાત્રે કરડે છે. માદા એડીસ મચ્છરથી ડેન્ગ્યુ, ચિકનગુનીયા અને ઝીકા વાયરસ ફેલાય છે. માદા ક્યુલેક્સ હાથીપગાનો ફેલાવો કરે છે. આ તમામ મચ્છરજન્ય રોગનો અગાઉથી જ ફેલાતો અટકાવવા માટે મચ્છર ઉત્પતિ અટકાવવી આવશ્યક છે.
ચોખ્ખું-ખુલ્લું અને બંધિયાર પાણી મળે ત્યાં મચ્છર ઉત્પતિ થાય છે. આથી પાણી સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખવા સાથે ઘરમાં કે ઘરની બહાર ક્યાંય પાણીનો ભરાવો ન થવા દેવો, ફ્રિજની પાછળની ટ્રે, પક્ષીકુંજ, પશુઓને પાણી પીવાની કુંડી સહિત સ્થાનો પર ભરેલા હોય તે પાણી ખાલી કરી સુકવવા. છત, છાજલી, અગાસી પર પડેલા વણઉપયોગી સામાનનો યોગ્ય નિકાલ કરવો. કાયમી પાણી ભરાય રહેતું હોય તેવા ખુલ્લા ટાંકા, અવેડા સહિતના સ્થાનો પર પોરાભક્ષક માછલી – ગપ્પી કે ગામ્બુશીયા મૂકવી. આમ મચ્છર ઉત્પતિ અટકાવવા કાળજી લેવી અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવીએ.
ધર્મેશ ૦૦૦
