Gujarat

સાવરકુંડલાનાં મધ્યમાં પસાર થતી નાવલીનો ઉધ્ધાર ક્યારે? 

રીવર ફ્રન્ટની યોજના ક્યારે સાકાર થશે? 
સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં હજુ પણ ગંદકીનું ઘણું પ્રમાણ જોવા મળે છે. હાલ ગ્લોબ વોર્મિંગની અસરને કારણે પણ વાતાવરણમાં અણધાર્યા પરિવર્તનો જોવા મળે છે એવી વેળાએ આ નાવલી નદીની ગંદકી લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો કરી શકે છે. શહેરમાં મહાપ્રભુજી બેઠકજી થી લઈને છેક શાકમાર્કેટ સુધી ચારે તરફ નાવલી નદીમાં ગંદકીનું પ્રમાણ જોવા મળે છે.
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આજસુધી આ નાવલી સફાઈ માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવેલ છે પરંતુ નાવલી હજુ પણ સંપૂર્ણ શુધ્ધ નથી થઈ. લોકો પણ હવે આ વર્ષોથી ગંદી નાવલી ક્યારે સંપૂર્ણ સ્વચ્છ થશે એની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. દિવાળી પછી નાવલી નદીની સુરતમાં પરિવર્તન આવે એવી શક્યતા જોવાઈ રહી છે.
જો કે આ નાવલી નદીને સ્વચ્છ કરવા માટે પણ ઘણાં પડકારોનો સામનો કરવો પડશે.. જો કે સમયની ગર્તામાં શું હશે એ તો રામજાણે… ઈચ્છીએ કે વહેલી તકે નાવલી ખરા અર્થમાં નવલ ગંગામાં પરિવર્તિત થાય.
બિપીન પાંધી