કચ્છમાં હાલ આગ લાગવાની ઘટનામાં અચાનક વધારો થયો હોય તેમ પ્રતિદિન આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. આદિપુર, ખાવડા બાદ હવે નખત્રાણા તાલુકાના નિરોણા પાસે ઉભેલી ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. સદભાગ્યે આ ઘટનામાં જાનહાની ટળી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા તાલુકાના નિરોણાથી આગળ અમીરગઢ વાડી વિસ્તાર પાસે પાર્ક કરાયેલી ટ્રકમાં ગતરાત્રિના 1 વાગ્યાના અરસામાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી હતી. આગ લાગવાની શરૂઆત ટ્રકના પાછળના ડબલ ટાયરમાં થઈ હતી. બનાવની ગંભીરતા એ હતી કે ટ્રક કોલસાથી ભરેલી હતી.
જોકે નજીકની વાડી માં રહેતા ટ્રક માલિક નરેશ ભાનુશાળીએ ઘટનાની જાણ તંત્રને કરતા ભુજ ફાયર વિભાગ ની ટિમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયર ફાયટર વડે સળગતી ટ્રક ઉપર પાણીનો મારો ચલાવી ટ્રકને ખાક થતા બચાવી લીધી હતી. ફાયરની તાકીદની કામગીરી થી મોટી નુકશાની ટળી હતી.

