ગોંડલમાં વિશ્વ ચકલી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. સુલતાનપુરના વીરા ગ્રૂપે સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં 7000થી વધુ લાકડાના ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.

મેદાનમાં 90 ફુટ x 60 ફુટની વિશાળ રચના બનાવવામાં આવી. તેમાં સુનીતા વિલિયમ્સનું સ્વાગત, તેમના વિમાનની આકૃતિ અને વિવિધ સંદેશાઓ જેવા કે ‘સેવ બર્ડ્સ’, ‘સેવ નેચર’, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અને ‘જય જવાન જય કિસાન’ દર્શાવવામાં આવ્યા.

પ્રદર્શનમાં 300થી વધુ વિવિધ પ્રકારના ચકલીના માળા મૂકવામાં આવ્યા. આ માળા લાકડા, માટી, પૂઠા, ચામડા, રિસાયકલ પ્લાસ્ટિક અને સૂકા ઘાસમાંથી બનાવવામાં આવ્યા હતા. દરેક માળાની અનોખી ડિઝાઇને દર્શકોને આકર્ષ્યા.

કાર્યક્રમમાં નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. 5000થી વધુ શહેરીજનોએ આ કાર્યક્રમને નિહાળ્યો.

વીરા ગ્રૂપ છેલ્લા 7 વર્ષથી પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યું છે. અત્યાર સુધીમાં તેમણે 47,111થી વધુ ચકલી ઘરનું વિતરણ કર્યું છે. દિવ્યેશ કાછડીયા, શૈલેષ ગોંડલિયા, ભાવેશ બોરડ સહિત ગ્રૂપના તમામ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી. કાર્યક્રમમાં પ્રકૃતિપ્રેમી મિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું.

