Gujarat

ભાજપના ઉમેદવારો સામે લોકોમાં ભારે રોષ, મત માગવા નીકળેલા ઉમેદવારોને સોસાયટીના નાકે અટકાવાયા

મ્યુનિ. ચૂંટણી માટે મત માગવા નીકળતા ઉમેદવારોને લોકોના રોષનો ભોગ બની રહ્યું છે. સાબરમતી, રામોલમાં તો ભાજપના ઉમેદવારો સામે લોકોમાં ભારે રોષ છે. રામોલમાં પ્રચાર માટે નીકળેલા ઉમેદવારોને તો સોસાયટીમાં પણ ઘૂસવા દેવાયા નથી. સાબરમતીમાં ઠાકોર સમાજે ભાજપના ઉમેદવારોએ પ્રચાર કરવા આવવું નહીં તેવા બેનરો લગાવ્યા છે. તો લાંભામાં અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડ સામે આ વખતે વિરોધનો સૂર ઊઠ્યો છે.

લાંભા : ચૂંટાયા પછી ભાજપ સાથે બેસી જવાનો આક્ષેપ લાંભા વોર્ડમાં અપક્ષ કોર્પોરેટર કાળુ ભરવાડ સામે આ વિસ્તારમાં બેનરો લાગ્યા છે. જેમાં તેઓ ચૂંટાયા પછી ભાજપ સાથે બેસી જતાં હોવાનો આક્ષેપ કરાયો છે. કાળુ ભરવાડ કે અપક્ષ ઉમેદવારોએ આ વિસ્તારમાં પ્રચાર કરવા આવવું નહીં તેવા બેનરો લાગ્યા છે. ભાજપની મિટિંગ ચાલતી હતી ત્યારે સ્થાનિકોએ હોબાળો પણ કર્યો હતો.

રામોલ-હાથીજણ : ભાજપના ઉમેદવારને કહ્યું, ખાડા પડ્યા ત્યારે ઓળખતા ન હોતા, હવે કેમ આવ્યા છો? પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલ પ્રચાર માટે સોસાયટીમાં પહોંચતા મહિલાઓએ રસ્તો રોક્યો હતો. રોડના ખાડાની જૂની રજૂઆતો યાદ અપાવી મહિલાઓએ રોકડું પરખાવ્યું કે, “મુસીબતમાં તમે ઓળખતા નહોતા, તો હવે કેમ આવ્યા?” દારૂડિયા કાર્યકરો સાથે લાવ્યા હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ ઉમેદવારને સોસાયટીમાં પ્રવેશવા દીધા નહોતા.