રાજ્યમાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. સુરત મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટેની તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કામાં છે.
સૌથી મહત્વપૂર્ણ ગણાતી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના સીલિંગની કામગીરી હાલમાં જ પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા ચૂંટણી અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં અત્યંત પારદર્શક રીતે કરવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિની આશંકા ન રહે.
9000 બેલેટ યુનિટ અને 6000 કંટ્રોલ યુનિટ તૈયાર ચૂંટણી પંચના આંકડા મુજબ, સુરત શહેર અને જિલ્લામાં કુલ મળીને 9000થી વધુ બેલેટ યુનિટ અને 6000થી વધુ કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવનાર છે. સીલિંગ પ્રક્રિયા દરમિયાન દરેક બેલેટ યુનિટમાં વોર્ડ દીઠ ઉમેદવારોના નામ, તેમના ફોટા અને પક્ષના ચિહ્ન સાથેના બેલેટ પેપર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે.
આ મશીનોને ખાસ પિંક પેપર સીલથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. સુરત શહેર અને જિલ્લા સ્તરે આ કામગીરી પૂરજોશમાં પૂર્ણ થયા બાદ હવે તમામ મશીનોને નિર્ધારિત ડિસ્પેચ સેન્ટરો પર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

