Gujarat

જામનગરમાં મહાનગરપાલિકાએ 105 કિલો સડેલી કેરીનો નાશ કર્યો

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ઉનાળા અને મસાલાની સિઝનને ધ્યાનમાં રાખીને વિશેષ ખાદ્ય ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કમિશનરના માર્ગદર્શન હેઠળ ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ, નમૂના પરીક્ષણ અને જાગૃતિ અંગે કામગીરી કરી હતી.

આ ઝુંબેશ અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 12 મસાલાના અને 2 ગોળાના નમૂના વડોદરા સ્થિત ખાદ્ય અને ઔષધ પરીક્ષણ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, દરેડ વિસ્તારમાંથી પીવાના પાણીનો એક નમૂનો જીવાણુ સંબંધી તપાસ માટે ઢીંચડા, જામનગર સ્થિત જાહેર આરોગ્ય પ્રયોગશાળામાં મોકલાયો છે. નમૂનાઓના પરીક્ષણ અહેવાલ મળ્યા બાદ ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ-2006 હેઠળ જરૂરી કાર્યવાહી કરાશે.

મહાનગરપાલિકાની ખાદ્ય સુરક્ષા ટીમે શહેરના આશરે 11 ડેરી, માંસાહારી દુકાનો, હોટલ-રેસ્ટોરન્ટ અને ફરસાણ વિક્રેતાઓની પેઢીઓનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન વેપારીઓને સ્વચ્છતા જાળવવા, આરોગ્યપ્રદ સ્થિતિ રાખવા, સમયસર જંતુનાશક પ્રક્રિયા કરાવવા, કર્મચારીઓના આરોગ્ય પ્રમાણપત્રો રાખવા, ખાદ્ય પદાર્થો ઢાંકી રાખવા અને વાસી ખોરાકનું વેચાણ ન કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.