છેલ્લા 75 વર્ષથી સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં અગ્રેસર ભંડારી પ્રગતિ યુવક મંડળ ટ્રસ્ટ બારડોલી-બુહારી દ્વારા પેલાડ-બુહારી પ્રાથમિક શાળાના શ્રીમદ રાજચંદ્ર હોલ ખાતે ભવ્ય કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી થઈ હતી. મંડળના પ્રમુખ હિતેશ ડી. ભંડારીએ જણાવ્યું હતું કે, સમાજના યુવાનો સક્ષમ વકીલ, કલેક્ટર, ડોક્ટર અને વૈજ્ઞાનિક બને તેવા ઉમદા હેતુથી દર વર્ષે આ વિશેષ આયોજન કરાય છે.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નવસારી કૃષિ યુનિ. પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલીંગ હેડ ડૉ. મેહુલ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને સફળતાની ગુરુચાવી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “આજના AI ના યુગમાં માત્ર ડિગ્રી કરતાં કૌશલ્ય વિકાસનું મહત્વ ઘણું વધારે છે.” તેથી કોર્સ અને કોલેજની પસંદગીમાં ભારે સાવચેતી રાખવી જરૂરી છે.
3 કલાક ચાલેલા સેશનમાં ડૉ. ઠક્કરે ધોરણ 10 અને 12 પછી સાયન્સ , કોમર્સ અને આર્ટ્સના 450 થી વધુ કારકિર્દી વિકલ્પો, પ્રવેશ પ્રક્રિયા, મેરિટ ગણતરી અને શિષ્યવૃત્તિ યોજનાની વિસ્તૃત માહિતી ઓડિયો-વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.

