Gujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોનું ડિમોલેશન શરૂ

જામનગર મહાનગરપાલિકાએ ચોમાસા પહેલા શહેરમાં આવેલી અત્યંત જર્જરિત અને જોખમી ઇમારતોને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય દુર્ઘટના ટાળવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરિત ઇમારતોનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેમાં કુલ 6 ઇમારતો માનવજીવન માટે જોખમરૂપ હોવાનું જણાયું હતું. આ ઇમારતોના મિલકતધારકોને અગાઉથી આખરી નોટિસો પાઠવવામાં આવી હતી.

આ કાર્યવાહીના ભાગરૂપે, મંગળવારથી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા, એસ્ટેટ શાખા અને અન્ય સંબંધિત વિભાગોની ટીમો દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ પોલીસ બંદોબસ્ત અને તકનિકી સ્ટાફની મદદ પણ લેવામાં આવી રહી છે. ત્રણબત્તી વિસ્તારમાં આવેલી ગીતા લોજની જૂની ઇમારત અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી તેને ખાલી કરાવી દેવામાં આવી હતી અને તેના ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત, પટેલ કોલોની શેરી નં.11 માં આવેલ મીરા એપાર્ટમેન્ટ, નવાગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી એપાર્ટમેન્ટ, સરુ સેક્શન રોડ પર આવેલ ઓધવરામ એપાર્ટમેન્ટ, ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલ કસ્ટમ હાઉસનું જૂનું મકાન તેમજ જામના ડેરા પાસે આવેલી મહાનગરપાલિકાની બે જૂની કચેરીઓને પણ અતિ જર્જરિત જાહેર કરવામાં આવી છે.