અમદાવાદ મહાનગરપાલિકામાં આવતા ગોતા વોર્ડમાં ગત સપ્તાહે ફેલાયેલા રોગચાળા મામલે તંત્ર દ્વારા લેવામાં આવેલા પાણીના સેમ્પલ તપાસમાં ફેલ સાબિત થયા છે. જ્યારે ચોથી અને પાંચમી જૂને લેવામાં આવેલા સેમ્પલ પાસ થયાં છે. તંત્ર દ્વારા ગત ત્રીજી જૂને આકાંક્ષા ફ્લેટ, નવરત્ન એવેન્યૂ અને વર્ધમાન ફ્લેટના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે અનફીટ સાબિત થયાં છે. આ વિસ્તારમાં પીવાનું પાણી પીવા લાયક નહીં હોવાથી રોગચાળો ફેલાયો હોવાનું સામે આવ્યું છે.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, છસ્ઝ્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ૪ જૂનના રોજ કુલ ૧૭ પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, અને ત્યારબાદ ૫ જૂનના રોજ વધુ પાંચ નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ નવા નમૂનાઓના રિપોર્ટમાં પાણીની ગુણવત્તાને ફિટ જાહેર કરવામાં આવી છે.
આરોગ્ય અધિકારીઓના નિવેદન અનુસાર, હાલ તમામ સોસાયટીઓમાં પીવાલાયક પાણીનું વિતરણ થઈ રહ્યું છે. નવા રિપોર્ટ મુજબ, પાણીમાં ક્લોરિનનું પ્રમાણ પણ એક થી બે ની વચ્ચે હોવાનું સામે આવ્યું છે, જે પીવાના પાણી માટે યોગ્ય માનક છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ગોતા વિસ્તારમાં પાણીની શુદ્ધતાનો મુદ્દો ઉકેલાઈ ગયો છે અને પાણી હવે પીવા માટે સુરક્ષિત છે.
આ અંગે એએમસીના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ કહ્યું હતું કે, ગોતા વોર્ડમાં પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ મળ્યા બાદ ચોથી જૂનના રોજ ૧૭ જેટલા પાણીના સેમ્પલ લેવાયા હતાં. આ સેમ્પલમાં ક્લોરિનનું પ્રમાણ પણ આવ્યું છે અને હવે આ પાણી પીવાલાયક છે. આ વિસ્તારમાં હવે કોઈ રોગચાળાના કેસ સામે આવ્યા નથી. ૩ જૂને ૧૪ સેમ્પલ લેવાયા હતા જેમાં ૩ સેમ્પલ ફેલ આવ્યા હતાં. ૪ જૂને ૧૭ સેમ્પલ લેવાયા જેમાં તમામ સેમ્પલ પાસ થયા છે. ૫ અને ૬ જૂને લીધેલા સેમ્પલ ફિટ છે.

