ભાવપુરા ગામે વીજપોલ ધરાશાઈ થતાં ૩ શ્રમિકના મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, વીજ વાયરોના કામ સમયે પોલ હલી જતા દુર્ઘટના બની હતી. સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના મામલે મળતી માહિતી અનુસાર, ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ હાઇટેન્શન લાઇન કેબલો નાખવાનું કામ ચાલતું હતું. જેમાં ૭૬૫દ્ભફ વડોદરા સાઉથ ઓલપાડની વીજ લાઇન નવી બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન વીજપોલ ધરાશાઈ થવાથી વેસ્ટ બેંગોલથી કામ અર્થે આવેલા ૩ શ્રમિકના મોત થયા છે.
વીજ ટાવર ધરાશાયી થયો એ સમયે આશરે ૨૫ જેટલા લોકો ઘટનાસ્થળે હાજર હતા. જેમાં ૬ જેટલા શ્રમિક ટાવર પર કામ કરી રહ્યા હતા એટલામાં અચાનક ટાવર એક તરફ ઝૂકવા લાગ્યો હતો અને થોડી વારમાં નીચે પડ્યો હતો. આ દુર્ધટનામાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન ત્રણના મોત નીપજ્યા હતા, જ્યારે ત્રણ લોકો સારવાર હેઠળ છે.
મૃતક શ્રમિકના નામ-
ખાનો કાલુ મારડી (ઉં.વ. ૩૦)
મગલા સીહરા (ઉં.વ. ૩૮)
અન્ય એક શ્રમિક
આ વીજ થાંભલા ઉભા કરવાનો કોન્ટ્રાક ટી.એલ.એલ. કંપનીને મળ્યો હતો. ૩ શ્રમિકના મોતને પગલે તપાસ અર્થે આવેલા અધિકારીઓ ઘટના બાબતે જવાબ આપવા ઇનકાર કર્યો હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.

