Gujarat

વેરાવળમાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું

વેરાવળના ડાભોર કોમ્યુનિટી હોલ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિતના અગ્રણીઓ તથા પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સંમેલનને સંબોધતા રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014થી દેશની શાસનધુરા સંભાળ્યા બાદ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની મિસાલ સ્થાપિત કરી છે. તેમણે ઉજ્જવલા યોજના અને જનધન યોજના જેવી લોકકલ્યાણકારી યોજનાઓ દ્વારા સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે. સાંસદ પરમારે વધુમાં જણાવ્યું કે, દેશની સાંસ્કૃતિક ધરોહરના સંવર્ધન અને આતંકવાદ-નક્સલવાદ સામે કડક વલણ અપનાવી રાષ્ટ્રને મજબૂત દિશા આપી છે.

લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, વડાપ્રધાને પ્રધાનસેવક તરીકે સૌથી લાંબા સમય સુધી સેવા આપવાનો વિક્રમ સ્થાપ્યો છે. આ તેમની જનસામાન્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા 12 વર્ષમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને વંચિત વર્ગોના કલ્યાણ માટે ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે, જેનાથી દેશના વિકાસને નવી ગતિ મળી છે.

કલેક્ટરે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનના દિશાદર્શન હેઠળ છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં ભારતે વિકાસના નવા માપદંડો સ્થાપ્યા છે. જનધન યોજના, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ જેવા અભિયાનોએ દેશને આત્મનિર્ભરતા અને આધુનિકતા તરફ દોર્યો છે.

સંમેલન દરમિયાન મહાનુભાવોએ સ્માર્ટ સિટી, વંદે ભારત ટ્રેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, હર ઘર જલ, પીએમ આવાસ યોજના, સેમિકંડક્ટર મિશન, લોકલ ફોર વોકલ અને ડિજિટલ સેવાઓ જેવી ઉપલબ્ધિઓ દર્શાવતી ટૂંકી ફિલ્મ નિહાળી હતી. તેમણે જિલ્લાના વિકાસલક્ષી ઉપક્રમો અને વિવિધ સરકારી યોજનાઓ અંગેની પ્રદર્શનીનું પણ અવલોકન કર્યું હતું.