ઉના-ભાવનગર હાઈવે પર રાત્રિના સમયે એક સિંહ રોડ પર લટાર મારતો જોવા મળ્યો હતો. એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે આ અદભૂત દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉના શહેરથી લગભગ 5 થી 7 કિલોમીટર દૂર ભાવનગર હાઈવે પર બસ પહોંચી ત્યારે અચાનક એક સિંહ રોડ પર ચાલતો જોવા મળ્યો હતો. મુસાફરો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમને જાણે સફારી પાર્કનો અનુભવ થયો હતો.

સિંહ વાહનોની અવરજવર વચ્ચે રોડ પર લટાર મારી રહ્યો હતો. થોડા સમય બાદ તે સાવચેતીપૂર્વક રોડ પરની લોખંડની રેલિંગ કૂદીને સામેની તરફ ગયો હતો. જોકે, 24 કલાક ધમધમતા આ હાઈવે પર સિંહની હાજરી તેના માટે જોખમી બની શકે છે.

