મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪૯મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુરુવારે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વિડિયો વોલ પર આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે રથના લોકેશન, પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના અને ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, પોલીસ મહાનિદેશક શ્રી જી.એસ. મલિક, તેમજ પોલીસ તથા મહાનગરપાલિકાની ટીમના અધિકારીઓ પણ જાેડાયા હતા.

