સમગ્ર દેશમાં 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની 27મી વાર્ષિક મહોત્સવ તરીકે ઉત્સાહ અને દેશભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી છે. ગાંધીનગરમાં પણ ફિટ ઈન્ડિયા-સન્ડેઝ ઓન સાયકલ રેલીની 83મી આવૃત્તિનું આયોજન કારગિલ વિજય દિવસની થીમ હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સશસ્ત્ર દળોના જવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કારગિલ યુદ્ધના શહીદો માટે મૌન પાળવામાં આવ્યું આજના કાર્યક્રમની શરૂઆત 1999ના કારગિલ યુદ્ધમાં શહાદત વહોરનારા 527 ભારતીય વીર જવાનોની સ્મૃતિમાં એક મિનિટનું મૌન પાળીને કરવામાં આવી હતી. ત્યારબાદ સહભાગીઓ માટે હળવી શારીરિક કસરતો અને ઝુંબા સહિતના ડાન્સ સેશનનું આયોજન કરાયું હતું. આ આયોજન હેઠળ BSFના 55 અને ભારતીય વાયુસેનાના 100 જવાનો સાથે મોટી સંખ્યામાં નાગરિકોએ 4 કિલોમીટરની સાયકલ રેલીમાં ભાગ લીધો હતો.
સ્વર્ણિમ પાર્કથી SAI સુધી સાયકલ યાત્રા ગાંધીનગરના સ્વર્ણિમ પાર્કથી શરૂ થઈને મહાત્મા મંદિરથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઈન્ડિયા (SAI) ખાતે આ સાયકલ યાત્રા પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે 1999ના કારગિલ યુદ્ધમાં શૌર્ય દાખવનાર BSFની 8મી બટાલીયનના કારગિલ વોર વેટરન્સ સબ ઈન્સ્પેક્ટર હરેન્દર સિંહ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સજ્જન સિંહ અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર આર.શ્રીનિવાસનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

