Gujarat

મોતીતળાવમાં પાર્ક કરેલી ઇનોવા અને આઇ-10 કાર આગમાં ખાખ

ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં આવેલા મોગલ માતાના મંદિર પાસે ગત મોડીરાત્રે પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી 10 હજાર લીટર પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

મોતીતળાવ વિસ્તારમાં ડેલા નંબર 220ની સામે પાર્ક કરેલી બે કારમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. આ અંગે સ્થાનિક રહીશ અશરફભાઈએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર સ્ટાફે સ્થળ પર પહોંચી ભારે જહમત બાદ 10,000 લીટર પાણીનો છંટકાવ કરીને બંને કારમાં લાગેલી આગને બુઝાવી હતી.

બે કારને વ્યાપક નુકસાન આગની ઝપેટમાં આવેલી કાર પૈકી એક કાર રહેમાનભાઈની માલિકીની ઇનોવા અને બીજી આઇ-10 કાર હોવાનું સામે આવ્યું હતું. આગના કારણે બંને કારને મોટું નુકસાન થયું છે. પાર્ક કરેલી કારમાં કયા કારણોસર આગ લાગી તે અંગે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.