વડોદરામાં જાંબુવા ચોકડી પાસે નેશનલ હાઇવે-48 પર ગેરેજ માટે ભાડે રાખેલી જમીનમાંથી રૂ. 3.70 કરોડનો સામાન સગેવગે કરી દેવામાં આવ્યો છે. ગેરેજનો વ્યવસાય અનુકૂળ ન આવતાં જમીન ખાલી કરવાની વાત કર્યા બાદ વેપારીનો જમીનમાલિક અને તેના પુત્ર સાથે વિવાદ થયો. ત્યારબાદ ગેરેજનો સામાન ગાયબ જણાતાં વેપારીએ બંને સામે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવવામાં આવી વડોદરામાં ગેરેજના વ્યવસાય માટે ભાડે લીધેલી જમીનમાંથી કરોડો રૂપિયાની કિંમતનો સામાન ગાયબ થઈ ગયો છે. શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતા અને અભિ ઓટો ગેરેજના નામે આઇસરની બોડી બનાવવાનું કામ કરતા રાહુલભાઈ બારોટે મનોજભાઈ શર્મા અને તેમના પુત્ર અમન શર્મા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં બંનેએ આશરે રૂ. 3.70 કરોડનો સામાન પોતાની જાણ અને સંમતિ વિના સગેવગે કરી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે.
ગેરેજ માટે ભાડેથી જગ્યા જોઈતી હોવાથી રાહુલભાઈએ તેમના મિત્ર રવિભાઈ રાજપૂતનો સંપર્ક કર્યો હતો. મિત્ર મારફતે મનોજભાઈ શર્મા અને તેમના પુત્ર અમનનો સંપર્ક થયો હતો. બંનેએ જાંબુવા ચોકડી પાસે રાજસ્થાન દરબાર હોટલની બાજુમાં નેશનલ હાઇવે-48 પર આવેલી જમીન બતાવી હતી. આ જગ્યા પસંદ આવતાં દર મહિને 1.15 લાખ રૂપિયા ભાડું નક્કી થયું હતું. જમીનમાલિકે ડિપોઝિટ લેવાની નહીં અને ભાડા કરારનું લખાણ વકીલ મારફતે તૈયાર કરાવવાની વાત કરી હતી.

