જામનગરના લાલપુર તાલુકામાં રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકવાની ઘટના બની છે. સણોસરી ગામની સીમમાં આશરે ત્રણ ફૂટ લાંબો લોખંડનો ટુકડો ટ્રેક પર મૂકાયો હતો. આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગત 13 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે 12:15થી 2:28 વાગ્યા દરમિયાન કાનાલુશ–પોરબંદર ટ્રેન નંબર 59205 પસાર થતી વખતે આ જૂનો લોખંડનો ટુકડો ટ્રેનના એન્જિન સાથે અથડાયો હતો.
ઘટનાની જાણ ભાવનગર રેલવે એન્જિનિયરિંગ કંટ્રોલને કરાઈ. રેલવેના જુનિયર સેક્શન એન્જિનિયર રાજેશભાઈ મીનાએ તપાસ કરતા ટ્રેક અને કોંક્રિટ સ્લીપર પર ઘસારાના નિશાન મળ્યા. ટ્રેનના એન્જિનને પણ નુકસાન થયું હતું. રેલવે કર્મચારી રાજેશભાઈ મીનાની ફરિયાદના આધારે લાલપુર પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. રેલવે ટ્રેનને અડચણ ઊભી કરવા અને મુસાફરોને નુકસાન પહોંચાડવાના ઇરાદે આ ટુકડો મૂકાયો હોવાની આશંકા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

