Gujarat

સાયબર ફ્રોડના બે કિસ્સામાં મેડિકલ ઓફિસર અને વૃદ્ધ ખેડૂત સાથે રૂ.3.27 લાખની છેતરપિંડી

વડોદરા શહેરમાં સાયબર ફ્રોડના બે અલગ-અલગ કિસ્સામાં ઠગોએ રૂ.3.27 લાખની ગેરકાયદે મતા તફડાવી લીધી છે. પ્રથમ કિસ્સામાં આયુર્વેદિક મેડિકલ ઓફિસર અને બીજા કિસ્સામાં 69 વર્ષીય વૃદ્ધ ખેડૂત સાયબર ચિટરનો ભોગ બન્યા છે. ક્રેડિટ કાર્ડ અપડેટ અને વોટ્સએપ ફાઈલ ઓપન કરાવીને ઠગાઈ આચરવામાં આવી હતી. આ અંગે પીડિતોએ નેશનલ સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ક્રેડિટ કાર્ડ પ્રોટેક્શન ફી માફીના નામે ઠગાઈ હાલોલની સરકારી આયુર્વેદ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. દિગ્વિજયસિંહ ગઢવી સોમાતળાવ વિસ્તારમાં રહે છે. અજાણ્યા નંબરેથી ફોન કરનારે ઈન્ડસઈન્ડ બેંકના ક્રેડિટ કાર્ડની પ્રોટેક્શન ફી માફ કરવાના નામે એક બનાવટી વેબસાઈટ ઓપન કરાવી હતી. ત્યારબાદ ક્રેડિટ કાર્ડની ગોપનીય વિગતો મેળવીને ઓટીપી દ્વારા રૂ.1,92,876 ની ઓનલાઈન ખરીદી કરી ઠગાઈ આચરી હતી.

વોટ્સએપ હેકિંગ દ્વારા ખેડૂત સાથે ઓનલાઈન ફ્રોડ બીજા બનાવમાં મકરપુરાના જાંબુઆ ખાતે રહેતા 69 વર્ષીય ખેડૂત હસમુખભાઈ પટેલ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. તેમના મિત્રના વોટ્સએપ પરથી આવેલી એનિવર્સરીની ફાઈલ ઓપન કરતા જ તેમનો ફોન હેંગ થઈ ગયો હતો. ત્યારબાદ તેમના મોબાઈલમાંથી તમામ સંપર્કોને મેસેજ મોકલાઈ ગયા હતા અને તેમના બે અલગ-અલગ બેંક ખાતામાંથી રૂ.1,95,000 ની રકમ વેલસન નામના ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી.