દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા મોટા તહેવારો નજીક આવતા જ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં કામદારોની તીવ્ર અછત વર્તાવા લાગી છે. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને દહેજ સહિતની અગ્રણી ઔદ્યોગિક વસાહતોમાં કાર્યરત લાખો પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન જવા રવાના થઈ રહ્યા છે, જ્યારે સ્થાનિક કામદારો પણ દિવાળી વેકેશનના કારણે રજા પર ઉતરી ગયા છે.
માનવબળની આ અચાનક સર્જાયેલી અછતના કારણે રાસાયણિક અને અન્ય ઉત્પાદન એકમો પર સીધી અસર જોવા મળી રહી છે. ઉદ્યોગજગતના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, શ્રમિકોની અછતને લીધે હાલમાં ઉત્પાદનમાં 20 થી 30 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે.
ભરૂચ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં અંદાજે 3 થી4 લાખ જેટલા પરપ્રાંતીય શ્રમિકો રોજગારી મેળવે છે. ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકો માટે દિવાળી અને છઠ્ઠ પૂજા સૌથી મહત્ત્વના પર્વ હોવાથી તેઓ લાંબી રજાઓ પર ઉતરી જાય છે.
લઘુઉદ્યોગ ભારતીના અંકલેશ્વરના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, અંકલેશ્વરમાં એક હજારથી વધુ નાના ઉદ્યોગો આવેલા છે. દિવાળી દરમિયાન સાતથી દસ દિવસના વેકેશનના કારણે આશરે 90 ટકા જેટલા લઘુઉદ્યોગો સંપૂર્ણપણે બંધ રહે છે. બીજી તરફ, સતત ચાલતા મોટા કેમિકલ પ્લાન્ટ્સમાં ઓપરેશન ચાલુ રાખવા માટે આ આયોજન કરવું ભારે પડકારરૂપ બની ગયું છે.

