Gujarat

ગુજરાતમાં મતદાર નોંધણી માટે 3 રવિવારે ખાસ ઝુંબેશ

ગુજરાતમાં મતદારયાદીને વધુ અદ્યતન અને સર્વસમાવેશી બનાવવા માટે ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશ યોજવામાં આવશે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી પૂર્ણ થયા બાદ સતત સુધારણા પ્રક્રિયા હેઠળ મતદારયાદીમાં નામ નોંધાવવાથી બાકી રહી ગયેલા નાગરિકો અને પ્રથમ વખત મતદાન કરવા માટે પાત્ર બનનારા યુવાનોને તક આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં ત્રણ ખાસ રવિવારે રાજ્યનાં તમામ મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજાશે.

29 નવેમ્બર, 6 અને 13 ડિસેમ્બરે ખાસ કેમ્પ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર, 2026ના રોજ ખાસ ઝુંબેશ યોજાશે. આ ત્રણેય રવિવારે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી તમામ મતદાન મથકો પર ડેઝિગ્નેટેડ ઓફિસર અને બૂથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે. આ દરમિયાન મતદારયાદીમાં નામ ઉમેરવા સહિત હક્ક-દાવા અને વાંધા સંબંધિત અરજીઓ સ્વીકારવામાં આવશે.

માત્ર ફોર્મ-6 ભરીને નામ નોંધાવી શકાશે મતદાર નોંધણી નિયમો, 1960 હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકો ફોર્મ-6 ભરીને મતદારયાદીમાં પોતાનું નામ સામેલ કરાવવા અરજી કરી શકશે. ખાસ કરીને અગાઉ કોઈ કારણસર મતદારયાદીમાં નામ નોંધાવી ન શકેલા નાગરિકો માટે આ ઝુંબેશ ઉપયોગી સાબિત થશે. 18થી 19 વર્ષના પ્રથમ વખતના યુવા મતદારોને પણ આ કેમ્પમાં નામ નોંધાવવાની તક મળશે.

2027માં 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનોની એડવાન્સ અરજી પણ સ્વીકારાશે આ ઝુંબેશની ખાસ બાબત એ છે કે આગામી સમયમાં 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો પણ અગાઉથી અરજી કરી શકશે. 1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો ઉપરાંત વર્ષ 2027ની આગામી ત્રણ લાયકાતની તારીખો એટલે કે 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા ભાવિ મતદારોની એડવાન્સ અરજીઓ પણ સ્વીકારવામાં આવશે.