Gujarat

ઈટોલી ગામે રૂ. 1.03 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત

વાઘોડિયા તાલુકાના ઈટોલી ગામે રૂ. 1.03 કરોડનાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું. આ કામોમાં રૂ. 80 લાખના ખર્ચે નવી શાળા, રૂ. 13 લાખના ખર્ચે RCC રોડ અને રૂ. 10 લાખના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇન બનાવવાનો સમાવેશ થાય છે.

કાર્યક્રમની શરૂઆત મહેમાનોએ દીપ પ્રગટાવીને કરી હતી. આયોજકો અને ગ્રામજનોએ મહેમાનોનું શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય વાઘેલાના હસ્તે વિધિપૂર્વક કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે વાઘોડિયા તાલુકા પંચાયતનાં પ્રમુખ જયાબેન વસાવા, તાલુકા સદસ્ય જગદીશભાઈ પરમાર અને ભાજપના તાલુકા પ્રમુખ જૈમિન પટેલ હાજર રહ્યા હતા. પક્ષના હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, આસપાસનાં ગામોના સરપંચો, શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.