ધી કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ છે અને તેમાં વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો છે. આ ચૂંટણીમાં વિકાસ પેનલ અને સંઘર્ષ સમિતિ પેનલ વચ્ચે સીધો મુકાબલો થયો હતો.
બંને પેનલના 15-15 ઉમેદવારો વચ્ચે રસાકસીભરી સ્પર્ધા જોવા મળી હતી, પરંતુ અંતે વિકાસ પેનલના તમામ 15 ઉમેદવાર જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા. બેંકના 7,000થી વધુ સભાસદોમાંથી 4,700 સભાસદોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તરસાડી અને કોસંબા સહિતના વિસ્તારના લોકો માટે આ બેંક આશીર્વાદરૂપ ગણાય છે.

વિકાસ પેનલના કન્વીનર રાકેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ધી કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીની મતગણતરી પૂર્ણતાના આરે છે, ત્યારે વિકાસ પેનલના તમામ 15 ઉમેદવાર નારિયળના નિશાન પર જંગી બહુમતીથી વિજેતા બન્યા છે. તરસાડી, કોસંબા, માંગરોળ અને ઓલપાડના તમામ સભાસદ, વેપારી, કાર્યકર અને વડીલોના આશીર્વાદ બદલ આભાર માનું છું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તરસાડી નગરની જનતાનો હું બે હાથ જોડી નમ્ર ભાવે આભાર માનું છું કે છેલ્લા 25 વર્ષથી અમારી ટીમ પર વિશ્વાસ મૂકી દરેક ચૂંટણીમાં વિજયી બનાવે છે, જેનો હું હંમેશા ઋણી રહીશ. આવનારા દિવસોમાં બેંક અંગે અમે જે વિશ્વાસ અપાવ્યો છે અને વચનો આપ્યા છે, તે પૂરા કરીને બતાવીશું. બેંકને વધુ સદ્ધર અને આગળ ધપાવવાની સાથે સભાસદ અને વેપારીઓને બેંકની લોન તથા સીસી (CC) સુવિધા આપીને મદદરૂપ થવાના પ્રયત્નો કરીશું.

