રાજકોટ
રાજકોટ શહેરમાં કેસની સંખ્યામાં ધડાધડ ઉછાળો આવી રહ્યો છે પણ તેટલી માત્રામાં હજુ ટેસ્ટ વધી રહ્યા નથી. સોમવારે પણ ૩૮૨૭ જ ટેસ્ટ કરાયા હતા અને તેની સામે ૧૯૧ કેસ આવતા ૫ ટકા પોઝિટિવિટી રેશિયો રહ્યો હતો. મહાનગરપાલિકા તંત્ર દ્વારા ધન્વંતરિ રથ તેમજ ટેસ્ટિંગ બૂથ ઊભા કર્યા હોવા છતાં દરરોજ કોરોનાના ૫૦૦૦ ટેસ્ટ પણ હજુ થતા નથી.રાજકોટમાં હાલ જે કેસ આવી રહ્યા છે તેમાં સૌથી વધુ કેસ વેસ્ટ ઝોનમાંથી નોંધાયા છે. મંગળવાર બપોરની સ્થિતિના એક્ટિવ કેસમાં ૬૪ ટકા માત્રને માત્ર વેસ્ટ ઝોનમાં છે. બાકીના ૪૦ ટકામાં પણ સૌથી ઓછા કેસ ઈસ્ટ ઝોનમાં છે. ત્યાં કુલ એક્ટિવ કેસનો આંક ૨૫૦ કરતા પણ ઓછો છે. આ વિસ્તારમાં વેક્સિનેશન કે ટેસ્ટમાં ખૂબ જ ઓછી જાગૃતિ છે આથી એ શક્યતા પણ છે કે તે વિસ્તારમાં કોરોના ફેલાયો હશે પણ લોકો ટેસ્ટ કરાવતા નહીં હોય. જાે તે વિસ્તારમાં ટેસ્ટ વધારવાના પ્રયાસો થાય તો આ આંક અનેકગણો આવી શકે છે. શહેરમાં મંગળવારે કોરોનાના ૨૪૪ કેસ નોંધાયા હતા. જે સોમવારની સરખામણીએ ૨૭ ટકાનો ઉછાળો બતાવે છે. છેલ્લા ૧૬ મેના દિવસે ૩૭૨ કેસ આવ્યા હતા ત્યારબાદ ક્રમશઃ કેસ ઘટી ગયા હતા અને ૨૦૦ કરતા પણ ઓછા આવ્યા હતા પણ હવે અચાનક ૨૫૦ સુધી કેસ પહોંચી ગયા છે. જાેકે રાહતની વાત એ છે કે હાલ જે ૧૫૧૭ એક્ટિવ કેસ છે તે પૈકી માત્ર ૬ જ હોસ્પિટલાઈઝ છે બાકીના તમામ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાં ગઇકાલે નવા ૭૫ કેસ જાહેર થયા હતા. અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં આવી રહ્યા હતા પણ હવે ગોંડલમાં કેસનો રાફડો ફાટ્યો છે કારણ કે, એક જ દિવસમાં ૩૫ કેસ સામે આવ્યા હતા તેમાં ૭ તો બાળકો છે. જ્યારે ધોરાજીમાં ૧૧ કેસ આવ્યા હતા. જિલ્લા તંત્રએ હજુ સુધી તાલુકા મુજબ કેસ જાહેર કરવાનું ચાલુ રાખ્યું છે. પહેલા મનપા પણ વોર્ડ વાઈઝ માહિતી જાહેર કરતી હતી પણ કેસની સંખ્યા ૧૫૦ને પાર થતા તંત્ર પણ હાંફી ગયું છે અને હવે ફક્ત કેસની સંખ્યા જ જાહેર કરવામાં આવે છે.


