Gujarat

વિનામૂલ્યે નેત્રમણિ પુરૂં પાડનારૂં ગુજરાત પહેલું રાજ્ય

અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આંખની તથા મોતીયા વિંદની તપાસ કરાવવા આવેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી આંખના તબીબો દ્વારા થઈ રહેલી સારવાર તપાસ નિહાળી હતી.આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, મોતિયાની અસર સામાન્ય રીતે ૫૦ વર્ષ પછીની ઉંમરે થતી હોય છે. તેની સારવાર સરળ શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણિ મુકાવીને કરાવી શકાય છે.રાજ્યમાં આ હેતુસર આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં મોતિયા ઓપરેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રતિ ૧૦ લાખની વસ્તીએ એક હજારથી વધુ મોતિયા ઓપરેશન દર હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રહ્યું છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં જેનો ખર્ચ ૧૦ થી ૫૦ હજાર રૂપિયા જેટલો થાય તેવી ફેકો ઇમલ્સીફિકેશન દ્વારા નેત્રમણિવાળા ઓપરેશન ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. સમગ્ર દેશમાં હાઇડ્રોફોબીક ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ વિનામૂલ્યે પુરૂં પાડનારૂં એકમાત્ર રાજ્ય ગુજરાત છે. રાજ્યમાં બેય આંખે મોતિયાના કારણે અંધ હોય એટલે કે જેમની દ્રષ્ટિ બંને આંખે ૩ મીટર કરતાં પણ ઓછી હોય તેવી તમામ વ્યક્તિઓને શોધીને મોતિયા-અંધત્વમુકત ગુજરાતની આ ઝૂંબેશ અન્વયે સરકારી હોસ્પિટલો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં વિનામૂલ્યે ઓપરેશન કરવાનું આયોજન હાથ ધર્યુ છે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય કાર્યક્રમમાં ૧૮ વર્ષ સુધીના બાળકોની દ્રષ્ટિ ચકાસણી કરીને ખામી ધરાવતા તમામ બાળકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવે છે. મુખ્યમંત્રીએ આ ઝૂંબેશમાં સેવાદાન, સમયદાન અને યોગદાન આપી રહેલા સૌ સેવા કર્મીઓની સરાહના પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *