Gujarat

જામનગર જિલ્લાના અનાથ/નિરાધાર બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ મેળવવા અનુરોધ

માતા-પિતાના મૃત્યુ કે પિતાના મૃત્યુ બાદ બાળકને મૂકીને માતાના પુન:લગ્ન થયા હોય તેવા બાળકો યોજનાનો લાભ મેળવી શકશે

જામનગર તા.૦૮ ફેબ્રુઆરી,ગુજરાત સરકારના સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા-જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ૦થી ૧૮વર્ષના અનાથ બાળકોના સ્વસ્થ અને

સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો કોઈ અન્ય વિકલ્પ નથી તેમ વિચારીને આ બાળકો માટે પાલક માતા-પિતા યોજના સમગ્ર રાજ્યભરમાં અમલી કરેલ છે. આ યોજના અન્વયે જે બાળકના માતા અને પિતા બંને મૃત્યુ પામેલ હોય તેવા બાળકોને યોજનાનો લાભ મળે છે. જેમાં બાળકને દર મહિને રૂ.૩૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.

 પાલક માતા-પિતા યોજનામાં થયેલ નવા સુધારા મુજબ, જે બાળકના પિતાનું મૃત્યુ થયેલ છે અને માતાએ બાળકને ત્યજીને પુનઃ લગ્ન કરી લીધા હોય તેવા બાળકોને પણ પાલક માતા-પિતા યોજનાનો લાભ મળી શકશે. આવા બાળકોનું હિત જળવાય અને તેઓ સુરક્ષિત/સંતુલિત જીવન વિતાવી શકે તેવા હેતુસર સરકારશ્રી દ્વારા પાલક માતા-પિતા યોજનામાં સુધારો કરવામાં આવેલ છે. આવા બાળકના કોઈ પણ અન્ય સગા-સંબંધીઓ બાળકના વાલી બની શકે અને યોજનાનો લાભ બાળકને અપાવી શકે છે. બાળકને અભ્યાસ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી જ તથા બાળક ૧૮વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.  હાલ જામનગર જિલ્લામાં કુલ ૩૭૦ બાળકો સરકારની પાલક માતા-પિતા યોજનાનો લાભ મેળવી રહ્યા છે.આ વર્ષમાં નવા ૨૭ બાળકોને આ યોજનાનો લાભ આપવામાં આવેલ છે.

 જામનગર જિલ્લામાં આવા કોઈ પણ બાળકો લાભથી વંચિત ન રહે તેવા હેતુસર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે જિલ્લા બાળ સુરક્ષા કચેરી, ઓફિસ નં.૬૧, સેવા સદન-૪, રાજ પાર્ક, રાજકોટ રોડ જામનગર, ૦૨૮૮-૨૫૭૧૦૯૮નો સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.

દિવ્યા ત્રિવેદી૦૦૦૦૦૦                    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *