જેતપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી દિવસ દરમિયાન જુદા જુદા સમયે હેલિકોપ્ટરનું ઉડડયન જોવા મળે છે. આ હેલિકોપ્ટર ઓછી ઝડપથી ઉડતું હોય છે. સરકાર દ્વારા જીઓલોજિકલ સર્વે કરવામાં આવી રહયો છે. આ હેલિકોપ્ટરને કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ભારે કૂતુહલ જોવા મળી રહયું છે.
સામાન્ય રીતે કોઈપણ દેશની સરકાર દ્વારા થોડા થોડા સમયના અંતરે દેશના વિવિધ વિભાગોમાં જીઓલોજિકલ સર્વેની કામગીરી ચાલતી રહેતી હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના સર્વે જમીનમાં રહેલા ભૂગર્ભ જળ અને જમીનના અંદરના પડમાં રહેલાં વિવિધ ખનીજોના અભ્યાસ વગેરે માટે થતાં હોય છે. ઘણી વખત સંબંધિત વિસ્તારોની જમીનોની રચના અંગેની માહિતી મેળવવા માટે પણ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ આ પ્રકારના જીઓલોજીકલ સર્વે થતાં હોય છે.
છેલ્લા કેટલાંક દિવસોથી જેતપુર પંથકમાં વિવિધ ગામડાઓમાં લોકો આ પ્રકારનું હેલિકોપ્ટર આકાશમાં ઉડતું નિહાળી કૂતુહલ વ્યકત કરી રહયા છે. યોગ્ય માહિતીના અભાવે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં જાતજાતની ચર્ચાઓ થતી સાંભળવા મળી રહી છે
પરંતુ ચોકકસ પ્રકારના સાધનોની મદદથી હેલિકોપ્ટર દ્વારા તાલુાકાના કેટલાંક વિસ્તારોમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
સર્વેની આ કામગીરી કેન્દ્ર સરકાર હસ્તકની હોવાથી રાજય સરકારની કચેરીઓ પાસે સ્વાભાવિક રીતે આ પ્રકારની કામગીરી અંગે કોઈ વિસ્તૃત વિગતો હોવા પામતી નથી.સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની જીઓલોજીકલ સર્વેની કામગીરી દરમિયાન હેલિકોપ્ટરને ખુબ નીચી ઉંચાઈએ આકાશમાં ઉડડયન કરાવવામાં આવતું હોય છે. જો કે, તો પણ આ હેલિકોપ્ટર જમીનથી ઘણા મીટરો દૂર હોય છે. આ પ્રકારના હેલિકોપ્ટર સાથે ચોકકસ પ્રકારના કેમેરા અને સેન્સર જોડવામાં આવ્યા હોય છે. આ સેન્સર ખુબ જ શકિતશાળી હોય છે. આ પ્રકારના કેમેરા અને સેન્સરની મદદથી ભૂગર્ભજળ ઉપરાંત જમીનની અંદર રહેલી ખનીજોની જાણકારી તેમજ સંબંધિત વિસ્તારની જમીનોની રચના અંગેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. આ પ્રકારના સર્વેમાં જે હેલિકોપ્ટર ભાગ લેતાં હોય છે તે હેલિકોપ્ટરના પાયલોટ ખાસ પ્રકારની તાલીમ પામેલા હોય છે કારણ કે, સામાન્ય રીતે ઓછી ઉંચાઈએ અને ચોકકસ ગાઈડલાઈન પ્રમાણે ચોકકસ દિશાઓમાં હેલીકોપ્ટરને ઉડાડવાનું હોવાથી પાયલોટોને ખાસ તાલીમ આપવી પડતી હોય છે. આ પ્રકારના સર્વે દરમિયાન સંબંધિત વિસ્તારોની જમીનો એટલે કે, પૃથ્વીની સપાટીના ગરમી સહિતના ગુણધર્મો વગેરેની માહિતીઓ કોમ્પ્યુટર અને ચોકકસ સોફટવેર મારફત એકત્ર કરવામાં આવતી હોય છે બાદમાં આ પ્રકારની માહિતીઓનું વૈજ્ઞાનિકો દ્વારા એનાલિસિસ કરવામાં આવતું હોય છે.
સામાન્ય રીતે, આ પ્રકારના સર્વે સાથે સરકારના વિવિધ મંત્રાલયો અને વૈજ્ઞાનિકો તેમજ સંશોધન સંસ્થાઓના સંશોધકો જોડાયેલા હોય છે. વિશ્ર્વના વિવિધ દેશોની સરકારો દ્વારા આ પ્રકારના જીઓલોજીકલ સર્વે પોતપોતાના દેશોમાં જરૂરિયાત મુજબ કરવામાં આવતાં હોય છે.
હરેશ ભાલીયા જેતપુર


