આણંદ
મોંઘવારીમાં સામાન્ય નાગરિક જીવન વિમા અને મેડિક્લેમ વિમા અંગેની જાગરૂકતા ધરાવતો થયો છે. આકસ્મિક મૃત્યુ કે મેડિકલ ઇમરજન્સી સમયે મદદ માટે વિમા પોલીસીમાં રોકાણ કરે છે. વીમા પોલિસી વેચાણ સમયે કંપનીઓ વિવિધ આકર્ષક વાયદાઓ કરે છે પરંતુ વિમાધારકને જરૂરિયાતના સમયે સર્વિસ અને ક્લેમ સમયે જાત જાતની ખામીઓ કાઢી વિમા વળતર આપવામાં ઠાગાઠૈયા કરતી હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવે છે. આવા સમયે કેટલાક વિમાધારક આવા ખૂબ કડવા અનુભવને લઇ ગ્રાહક કોર્ટ જ મદદે આવે છે. બાકરોલમાં રહેતા અશોક અગ્રવાલ અને તેમના પત્ની મંજુલાબેને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કં.લી. પાસેથી ઇન્ડિવીડયુઅલ હેલ્થ પોલિસી લીધી હતી. પોલિસી ચાલુ હોવા દરમિયાન મંજુલાબેનને ડાબી આંખે જાેવાની તકલીફ થતા તેમણે આણંદની ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું હતું. જયાં લેબોરેટરી ટેસ્ટ કરીને તેઓના મોતિયાનું ઓપરેશન કરાયું હતું. આ ઓપરેશનમાં વીમા ધારક બહેનને રૂપિયા ૭૨૩૪૯ ખર્ચ થયો હતો. જેનું પૂરે પૂરું વળતર મેળવવા જરુરી દસ્તાવેજી પુરાવા સાથે વીમા કંપનીમાં દાવો મોકલ્યો હતો. આ ક્લેમ કંપનીમાં જતા વીમા કંપનીએ પોલિસી નિયમ શરતો મુજબના તારણો આપી માત્ર રૂ.૨૪ હજાર જ વિમાધારકના ખાતામાં જમા કરાવ્યા હતા. આથી વિમા કંપનીએ રૂ.૪૮૩૪૯ ખોટી રીતે કપાત કર્યા હોવાનું જણાતા અશોક અગ્રવાલે આણંદ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે ઓપરેશનના બીલો, કવેરીનું સોલ્યુશન, ડોક્ટરનું પ્રમાણપત્ર સહિતના પુરાવાઓ અને દલીલો રજૂ કરી હતી. તબીબી સારવાર ખર્ચ અંગે કોઇ ધોરણ કે પેકેજ કે મર્યાદા નકકી થયેલી હોય તેવું ખુલતું નથી અને કયા પ્રકારના દર્દ માટે કેટલી મર્યાદામાં ખર્ચ મંજૂર થઈ શકે તેવું પણ કોઇ સ્પષ્ટ ધોરણ નિયત થયુ નથી. આથી વીમા કંપનીએ કોઈ ચોકકસ ગણતરી કરીને કપાત રકમ મૂકયાનું જણાતું નથી આ ઉપરાંત ફરિયાદીએ ખરીદેલી પોલિસીની સમ-ઇન્સ્યોર્ડ એટલે કે વીમાની રકમ ૪ લાખ છે. જેથી મોતિયાના ઓપરેશનમાં થયેલા કુલ ખર્ચ અથવા સમ-ઇન્સ્યોર્ડના ૨૫ ટકા બેમાંથી જે ઓછું હોય તે રકમ મળવાપાત્ર થાય. આથી ૪ લાખના ૨૫ ટકા મુજબ રૂ. એક લાખ કરતાં ઓપરેશનનો કુલ ખર્ચ ઓછો છે. આથી વીમા કંપનીએ કાપી લીધેલી રકમ યોગ્ય ઠરાવી શકાય તેમ નથી. આ કેસમાં કોર્ટે ફરિયાદીને ૪૮૩૪૯ વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા તેમજ માનસિક ત્રાસ બદલ રૂ.૨ હજાર અને અરજી ખર્ચના રૂ.૧ હજાર પણ ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો હતો.આણંદના બાકરોલના વીમા ધારકના કેસમાં મોતિયાના ઓપરેશનમાં ૪૮૩૪૯ની માતબર રકમની કપાત કરી હતી. આ કેસમાં ગ્રાહક કોર્ટે વીમા કંપનીના વ્યવહારને ઠપકાર લગાવી ગ્રાહકને તેની વળતરની પૂરે પુરી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યો છે. વળી વીમા કંપનીને આ માટે માનસિક ત્રાસ અને અરજી ખર્ચ પટે નિશ્ચિત રકમ આપવા પણ હુકમ કર્યો છે.
