Gujarat

વડોદરામાં પોલીસના નાઈટ પેટ્રોલિંગ વચ્ચે ૧ દિવસમાં જ ૩ સ્થળોએ ચોરી

વડોદરા
વડોદરા શહેર અને જિલ્લામાં તસ્કરો પોલીસ તંત્રના નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન વડોદરા શહેર-જિલ્લામાં ચોરીના ત્રણ બનાવોની ફરિયાદ સંબધિત પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. આ બનાવ સંદર્ભે પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા રોડ સ્થિત અણખોલ ગામમાં રહેતા ચંદ્રકાંતભાઈ પટેલ સરદાર ધામ ટ્રસ્ટમાં પ્રોજેક્ટ ઇન્ચાર્જ છે. તા. ૨૪મી ફેબ્રુઆરીના રોજ તેઓ પોતાના ઘરને તાળુ મારી વતન બીથલી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. દરમિયાન તેઓના બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા તસ્કરો રોકડા રૂપિયા, મોબાઈલ ફોન તથા સોના ચાંદીના ઘરેણા મળી રૂપિયા ૧.૬૨ લાખની મતા ચોરી નાસી છુટ્યા હતાં. આ બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં માંજલપુરની કોતર તલાવડી ખાતે રહેતાં રણજીતભાઈ અંબે શાળા પાસે નાસ્તાની લારી ધરાવે છે. તા. ૨૪મી ફેબ્રુઆરીના રોજ લારીના તાળા તોડી અજાણ્યા તસ્કરો ગેસનો બાટલ તથા ખાણી પીણીની ચીજ વસ્તુઓ ચોરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે માજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. આ ઉપરાંત ત્રીજા બનાવમાં કોયલી રોડ ઉપર રહેતા માયાબેન ભટ્ટ વકીલાતની પ્રેક્ટિસ કરે છે. તા. ૨૪મી ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે શ્વાન સાથે વોકિંગમાં નીકળ્યા હતા. તે સમયે તેમના પતિ બાથરૂમમાં ગયા હોય અને સાસુ પોતાના રૂમમાં સુતા હોય અજાણ્યો તસ્કર મુખ્ય દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશી રોકડા રૂપિયા ૪ હજાર અગત્યના ડોક્યુમેન્ટ સાથે તથા મોબાઇલ ફોન ચોરી નાસી છૂટ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

3-persons-identified-the-police-and-killed-90-thousand.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *